મોરબી : મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા જાન-માલના નુકસાનને અટકાવવા અને ફાયર સેફ્ટી અંગે લોકજાગૃતિ લાવવા માટે છેલ્લા એક અઠવાડિયામાં સઘન કામગીરી કરવામાં આવી છે. ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશકુમાર ડાકીના માર્ગદર્શન હેઠળ ફાયર પ્રિવેન્શન અને ટ્રેનિંગ સહિતના વિવિધ પગલાં લેવામાં આવ્યા છે.
ફાયર વિભાગ દ્વારા 3 સરકારી કચેરીના 34 કર્મચારીઓ અને 1 હોસ્પિટલના 25 સ્ટાફ મેમ્બર્સને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ ઉપરાંત, શહેરની વિવિધ સમાજવાડી, કોમ્પ્લેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું ચેકિંગ હાથ ધરી NOC ન ધરાવતા બિલ્ડીંગોને નોટીસ ફટકારવામાં આવી હતી. તંત્રની કડક કાર્યવાહીના પગલે 192 કોમ્પ્લેક્ષ અને 38 સમાજવાડીમાં ફાયર સિસ્ટમ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
મોરબીના વિસ્તરણને ધ્યાને રાખીને છેવાડાના વિસ્તારોમાં આગ લાગે ત્યારે ફાયર ફાઈટરોને પાણી રિફિલ કરવા માટે ટ્રાફિકમાં ન અટવાવું પડે તે માટે 5 સ્થળો શોભેશ્વર રોડ પાણીનો સંપ, ઘુનડા રોડ પાણીનો સંપ, લીલાપર પાણીનો સંપ, સુરજબાગ પાણીનો સંપ, પીપળી રોડ પાણીનો સંપએ વૈકલ્પિક વોટર પોઈન્ટ્સ ઉભા કરાયા છે.