મોરબીમાં હાલ ભર શિયાળે પાણીની મોકણ સર્જાઈ હોય તેમ રોજ એકાદ બે વિસ્તારમાથી પાણીનો પોકાર ઉઠતો રહે છે. જેમાં આજે મોરબીની પંચાસર રોડની સોસાયટીમાં હાલ પીવાના પાણીની કાયમી અછત સર્જાઈ છે. 15 દિવસથી પાણી ન આવતા સોસાયટીના લોકો ભારે હેરાન થઈ ગયા છે.
મોરબી નગરપાલિકાના કથળેલા વહીવટ અને સુવિધાઓ આપવામાં નિષફળ ગયેલા તંત્રને લીધે લોકો સમસ્યાઓની નગચુંડમાં એવા ફસાયા છે કે, સુવિધાઓ વગર તેમનું જીવવું હરામ થઈ ગયું છે. ખાસ કરીને પીવાના પાણી સમસ્યાએ કાળો કકળાટ કરી મુક્યો છે.જેમાં મોરબીના પંચાસર રોડ ઉપર આવેલી રામ પાર્ક સોસાયટીમા છેલ્લા 15 દિવસથી પાણીનું એક ટીપુંય પણ આવ્યું નથી. છેલ્લા 15 દિવસથી સમૂળગું પાણી આવતું ન હોવાથી લોકોને પીવા વાપરવા માટેના પાણી માટે દર દર ભટકવું પડે છે. સ્થાનિક લોકોએ પાણી પ્રશ્ને પાલિકામાં અનેકવાર ફરિયાદ કરવા છતાં કોઈ યોગ્ય નિરાકરણ આવતું ન હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાય ગયા છે.