Friday - May 08, 2026

મોરબી જિલ્લામાં 72.50 લાખ અને 63 મોબાઈલ મૂળ માલિકને પરત સોપાયા

મોરબી જિલ્લામાં 72.50 લાખ અને 63 મોબાઈલ મૂળ માલિકને પરત સોપાયા

તેરા તુજકો અર્પણ હેઠળ જિલ્લા પોલીસે ટંકારાની લૂંટની રકમ પણ આરોપીઓ પાસેથી રિકવર કરી મૂળ માલિકને પરત સોંપી

મોરબી : મોરબી જિલ્લા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ, વાહનો, કીમતી સામાન ટેકનોલોજીની મદદથી શોધીને મૂળ માલિકને પરત કરવામાં આવતી હોય છે. દરમિયાન આજે મોરબી જિલ્લા પોલીસ દ્વારા આ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ કુલ 72 લાખ 50 હજાર રોકડ રકમ અને 10 લાખથી વધુની કિંમતના 63 જેટલા મોબાઈલ મૂળ માલિકને શોધીને ફરત આપવામાં આવ્યા હતા.

મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, ગત મહિને ટંકારામાં થયેલી ચકચારી લૂંટની ઘટનામાં આરોપીઓ પાસેથી રિકવર કરવામાં આવેલા રોકડ રૂપિયા આજે કોર્ટના આદેશ પ્રમાણે મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા. આ તકે મોરબી જિલ્લા પોલીસ વડાએ જનતાને અપીલ કરી હતી કે, તેઓ જાગૃત બને અને મોબાઇલ કે વાહન જેવી વસ્તુઓ ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો તુરંત જ પોલીસને જાણ કરે. આ માટે લોકો E-FIR પણ દાખલ કરી શકે છે અને ત્યારબાદ પોલીસ મોબાઇલ કે વાહન શોધીને મૂળ માલિકને પરત કરતી હોય છે.