Saturday - May 02, 2026

મોરબી જિલ્લાના શિવપુર ગામે માવઠાથી 70% ટકા મગફળીના પાકનો નાશ

મોરબી જિલ્લાના શિવપુર ગામે માવઠાથી 70% ટકા મગફળીના પાકનો નાશ

સારી ઉપજ મળવાની આશાએ ખેડૂતોએ દીકરી દીકરાના નિર્ધારેલા લગ્નના અરમાનો પર પાણી ફરી ગયું

મોરબી : મોરબી જિલ્લામાં હમણાં જ પડેલા માવઠાએ ખેડૂતોના મોઢામાથી કોળિયા ઝૂંટવી લીધો છે અને આ વખતે ખેડૂતોને સારી ઉપજ મળવાના આરમાનો ઉપર કુદરતે માવઠા રૂપી કહેર વરસાવ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ત્યારે મોરબી જિલ્લાના શિવપુર ગામે ખેડૂતોની હાલત વધુ નાજુક જણાય આવી છે. આશરે 2 હજારથી 2200ની વસ્તી ધરાવતા આ ગામના 500થી વધુ ખેડૂતો ખેતી ઉપર નભે છે. જો કે વર્ષોથી અગાઉ ખેડૂતો આંબાનું વાવેતર કરતા પણ એ વરસાદ આધારિત હોવાથી ખેડૂતોને નફા કરતા નુકસાન વધુ થતું હોવાથી ખેડૂતો હવે ખરીફ પાક તરફ વળ્યા છે અને ગામમાં સિઝન પાક તરીકે 70% ટકા જેટલું મગફળીનું વાવેતર કર્યું હતું 2 હજારથી વધુ વિઘા ધરાવતા આ ગામમાં થયેલા 70%નું મગફળીનું વાવેતર સંપૂર્ણપણે નાશ પામ્યું છે. માવઠાએ એવો વિનાશ વેર્યો કે મગફળીનો તૈયાર પાક હાથમાંથી જતો રહ્યો અને મગફળીનો એકપણ દાણો કામમાં આવે એવો રહ્યો નથી. આ મગફળી બજારમાં વેચવા જાવ તો એની કિંમત કોડીની ગણાય. મહેનત માથે પડી છે એવી ખેડૂતોએ દર્દનાક હૈયાવરાળ ઠાલવી છે.

નફો તો બાજુમાં રહ્યો પણ ખેડૂતો દેવા હેઠળ દટાઈ જશે

ખેડૂતોએ રાત દિવસ કાળી મજૂરી કરીને મગફળીનું પોતાના જીવથી પણ કાળજીપૂર્વક જતન કર્યું હતું. ગામના મોટાભાગના ખેડૂતોએ દિવાળી પછી મગફળીની સારી ઉપજ આવશે અને એનાથી દીકરી દીકરાના લગ્ન ધામધૂમથી કરી શકીશું એવી આશાએ મગફળીને વાવી હતી. પણ માવઠાએ ખેડૂતોને રાતે પાણીએ રોવડાવ્યા કે દીકરી દીકરાના લગ્ન અને નફો તો બાજુમાં રહ્યો ઉલ્ટાનું ગુમાવવાનું આવ્યું છે. એટલે મગફળીનો પાક નાશ પામતા ખેડૂતો દેવાના ડુંગળ હેઠળ દટાઈ જશે. આવી કંપરી સ્થિતિમાં જો પાકનું વળતર નહિ મળે તો ખેડૂતોની સ્થિતિ શુ થશે એની કલ્પના પણ કરી શકાય એમ નથી.

ખેડૂત સુરેશભાઈ જેઠલોજા
 

મોરબી જિલ્લાના શિવપુર ગામે માવઠાથી 70% ટકા મગફળીના પાકનો નાશ

મગફળીમાં ફૂગ થઈ ગઈ એની કોઈ.કિંમત આવશે નહિ

માવઠાને કારણે મગફળીનો સોથ બોલી ગયો છે. દાણો ઊગી ગયો છે. ફૂગ આવી ગઈ છે. હાથમાં કઈ આવે એમ નથી. આવા સંજોગોમાં કદાચ 20% ટકા માલ સારો નીકળે અને યાર્ડમાં વેચવા જાય તો કોઈ વેપારીઓ ઢગલામાં હાથ નાખીને આ તો સાવ ખાલી દાણો છે એમ કહેશે. એટલે એમની ભાષા કોકાકોલાનો દાણો કહેવાય જેની કાઈ કિંમત આવશે નહિ. આવી કપરી પરિસ્થિતિ સરકાર જ ખેડૂતોને મદદ કરે તો જ ખેતી બચી શકે એમ છે. બાકી વરસાદ આધારિત ખેતીમાં ખેડૂતોને ટકવું મુશ્કેલ છે.

ખેડૂત પ્રવીણભાઈ જેઠલોજા
 

મોરબી જિલ્લાના શિવપુર ગામે માવઠાથી 70% ટકા મગફળીના પાકનો નાશ

પાકના વળતરની સાથે સરકાર કેનાલના પાણીની પણ વ્યવસ્થા કરી આપે

વરસાદ આધારિત ખેતી થી તો અમે પાયમાલ થઈ ગયા છીએ. કુદરતી વાતાવરણનું કાંઈ નક્કી થોડું હોય છે. વાતાવરણ ગમે ત્યારે ફેર બદલ થઈ શકે છે. એટલે હવે હવામાનની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે પાક લણવાની તૈયારીમાં હતો ત્યારે જ કમોસમી વરસાદ ત્રાટક્યો એ સાથે જ અમે કરેલી બધી જ મહેનત પાણીમાં ગઈ. એટલે ખેડૂતો સારી અપેક્ષા સાથે વાવેતર કરતા હોય છે કે એનાથી ઘરમાં બે પૈસાની આવક થાય તો, ઘરનું રીનોવેશન કરી શકાય, બાળકોની ફી ભરી શકાય, વૃદ્ધ માવતરના દવાનો ખર્ચ કે કંઈક નવું વાહન ખરીદવાનું વિચારતો હોય તો એ બધા જ અરમાનો પર આવી અણધારી આફતો પાણી ફેરવી દે છે. તેથી પાકના નુકસાનની સાથે અમારા ગામમાં કેનાલનું પાણી આવતું ન હોય અને વરસાદ આધારિત ખેતી હોય એટલે આવી પરિસ્થિતિ ઉદ્દભવતી હોવાથી કેનાલનું પાણી પણ મળવું જરૂરી છે.

ખેડૂત અમરશીભાઈ વાધડિયા

મોરબી જિલ્લાના શિવપુર ગામે માવઠાથી 70% ટકા મગફળીના પાકનો નાશ