Thursday - May 14, 2026

મોરબીમાં બે જુથ વચ્ચે થયેલ સામસામે ફાયરિંગમાં 4 આરોપીની ધરપકડ

મોરબીમાં બે જુથ વચ્ચે થયેલ સામસામે ફાયરિંગમાં 4 આરોપીની ધરપકડ

મોરબી : મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ હોટલ પાસે જૂની અદાવતનો ખાર રાખીને યુવાનને બોલાવ્યા બાદ માથાકૂટ થતા મામલો બીચકયો હતો. અને એકદમ ફિલ્મી ઢબે ગેંગવોરની જેમ બે જૂથ વચ્ચે સામસામું ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગમાં બન્ને જૂથના વ્યક્તિઓ ઇજા થયા બાદ સામસામી પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધી બન્ને પક્ષના મળીને હાલ ચાર આરોપીઓને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના કુલીનગર-1 માં રહેતા શાહરુખભાઈ ફિરોજભાઈ પઠાણએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સાજીદ સાઉદીનભાઈ જેડા, નૂરમામદ જેડા, સમીર જેડા, બચલો જેડા અને સ્વિફ્ટ કારમાં આવેલ અજાણ્યો માણસ આમ કુલ પાંચ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેને આરોપી સાજીદ સાથે 15-20 દિવસ અગાઉ માથાકૂટ થઈ હોય તેનો ખાર રાખી આરોપીઓએ ફરિયાદીને ફોન કરીને ગાળો આપી ફોનમાં આરોપી સાજીદે “શાહરૂખને ભડાકે દેવાનો છું” કહી ફરિયાદી તથા સાહેદોને મારી નાખવાના ઇરાદે અલગ અલગ કારમાં માળિયા હાઇવે રોડ ઉપર જઈ સીધું જ બે રાઉન્ડ ફાયરિંગ કરતા અલીભાઇ, ફરિયાદી અને તેના ભાઈ સલિમને ઇજાઓ થઈ હતી. આ ગુનામાં પોલીસે હાલમાં આરોપી નૂરમામદ સાઉદીનભાઈ જેડા, અશરફ ઉર્ફે બચલો સાઉદીનભાઈ જેડા અને આસિફ ઈકબાલબાઈ સંધીની ધરપકડ કરી છે.

સમાપક્ષેથી નૂરમહમદ સાઉદીનભાઈ જેડાએ આરોપીઓ શાહરુખ ફિરોજભાઈ પઠાણ, આદમ કાસમ કટિયા, વીરુ હિતેશભાઈ રાઠોડ, સલીમ ફિરોજભાઈ પઠાણ, અલીભાઈ કાસમભાઇ કટિયા અને અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, 15-20 દિવસ પહેલા થયેલી માથાકૂટનું મનદુઃખ રાખીને આરોપીઓએ ફરિયાદી તથા સાહેદ તેના ભાઈ સહિતનાને મારી નાખવાના ઇરાદે બંદૂક જેવા હથિયારથી એક રાઉન્ડ ફાયરિંગ કરી થાર ગાડીથી ફરિયાદીની કાળા કલરની સ્કોર્પિયોની પાછળ ટક્કર મારીને અથડાવી ફરિયાદી તથા તેના ભાઈને ઇજા કરી હોય આ ગુનામાં પોલીસે હાલ આરોપી આદમ કાસમ કટિયાની ધરપકડ કરી છે.