Saturday - May 16, 2026

મોરબો જિલ્લામાં વીજ બિલ ન ભરનારના ૩૫૧૩ કનેક્શન કાપી રૂ. ૪.૧૯ કરોડની રિકવરી

મોરબો જિલ્લામાં વીજ બિલ ન ભરનારના ૩૫૧૩ કનેક્શન કાપી રૂ. ૪.૧૯ કરોડની રિકવરી

બાકી લેણાં વસૂલવા આ રીતે કડક ઝુંબેશ આગામી 31 માર્ચ સુધી સતત ચાલુ રાખવામાં આવશે

મોરબી : મોરબી જિલ્લામાં બાકી વીજ બિલ ધરાવતા ગ્રાહકો સામે વીજ તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત તંત્રએ એક જ દિવસમાં 4.19 કરોડ રૂપિયાની ઐતિહાસિક વસૂલાત કરી છે, જે એલટી (લો ટેન્શન) વિભાગમાં એક દિવસમાં અત્યાર સુધીનું સૌથી વધુ કલેક્શન છે.

અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ, વીજ તંત્ર દ્વારા 5,000 કનેક્શન કાપવા અને 6 કરોડ રૂપિયાની વસૂલાતનો ટાર્ગેટ રખાયો હતો. જેમાંથી 3,513 જેટલા વીજ કનેક્શન કાપવામાં આવ્યા છે. અને આ મેગા દ્રાઈવ અંતર્ગત 2.15 કરોડ રૂપિયાની રિકવરી કરવામાં આવી છે. આ સઘન કાર્યવાહી દરમિયાન 3,057 કનેક્શન ધારકોએ દંડની રકમ સાથે બિલ ભરપાઈ કરતા 1.53 કરોડ રૂપિયા જમા થયા છે. આ ઉપરાંત દંડ પેટે 4.51 લાખ રૂપિયાની વસૂલાત પણ કરવામાં આવી છે.

લોકોએ સામેથી અને ચાલુ બિલની રકમ પણ ભરતા કુલ દૈનિક કલેક્શન 4.19 કરોડ પહોંચ્યું છે. આ કામગીરીને પહોંચી વળવા માટે 215 જેટલી ટીમો મેદાનમાં ઉતારવામાં આવી હતી. જોકે, હવે આ ટીમોની સંખ્યા ઘટાડીને 100 થી 150 આસપાસ કરવામાં આવશે. પરંતુ, બાકી લેણાં વસૂલવાની આ કડક ઝુંબેશ આગામી 31 માર્ચ સુધી સતત ચાલુ રાખવામાં આવશે.