63 ગ્રામ પંચાયતની સામાન્ય અને 129 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાશે
મોરબી : રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગામી 22 જૂને રાજ્યની ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણી ડિકલેર કરવામાં આવી છે. જેથી મોરબી જિલ્લાની 192 ગ્રામ પંચાયતની 22મીએ ચૂંટણી યોજાનાર હોય તેમાંથી 63 ગ્રામ પંચાયતની સામાન્ય અને 129 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાશે. ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતા આદર્શ આચારસંહિતા અમલી બની છે. સાથેસાથે ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા મામલે કલેક્ટર દ્વારા વિવિધ જાહેરનામ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. હવે ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ થશે અને 9 જૂન નામાંકન પત્રો ભરવાની છેલ્લી તારીખ છે. 10 જૂને ઉમેદવારો પત્રોની ચકાસણી કરાશે.11 જૂને ઉમેદવારી પત્રો ખેંચવાની છેલ્લી તારીખ અને 22મીએ ચૂંટણી અને 25મીએ મતગણતરી હાથ ધરાશે.ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને સરપંચ બનવા માંગતા ઉમેદવારોની હોડ જામી છે અને નામાંકન પત્રો ભરવા થનગની રહ્યા છે
તાલુકા વાઇઝ આટલી ગ્રામ પંચાયતની ચૂંટણી
મોરબી તાલૂકાની 24 માં સામાન્ય, 39માં પેટા, 61 બેઠકો તેમજ ટંકારા તાલુકાની 4માં સામાન્ય,22માં પેટા, 35 બેઠકો અને હળવદ તાલુકાની 11માં સામાન્ય, 28માં પેટા, 38 બેઠકો તથા માળીયા તાલુકાની 13માં સામાન્ય, 10માં પેટા, 15 બેઠકો આ ઉપરાંત વાંકાનેર તાલુકાની 11માં સામાન્ય, 34માં પેટા, 43 બેઠકો એમ આ જિલ્લાના પાંચેય તાલુકાની 63 ગ્રામ પંચાયતમાં સામાન્ય, 133 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી, 192 પેટા ચૂંટણીની બેઠકો છે.
8 ગ્રામ પંચાયતમાં પ્રથમ વખત ચૂંટણી
મોરબી જિલ્લાની આ વખતે નવી 12 ગ્રામ પંચાયત અમલી બન્યા બાદ હવે નવી અસ્તિત્વમાં આવેલી જિલ્લાની 8 ગ્રામ પંચાયતમાં પ્રથમવાર ચૂંટણી યોજાશે મોરબી જિલ્લાની તાલુકા વાઇઝ ગ્રામ પંચાયત જોઈએ તો હળવદની નવા રાયસંગપુર, માળીયા તાલુકાની પંચવટી, ન્યુ નવલખી, નિરુબેનનગર, વિશાલનગર, નંદનવન અને મોરબી તાલુકાની સોલંકીનગર તેમજ વાંકાનેર તાલુકાની ભાટિયા ગ્રામ પંચાયતમાં પ્રથમ વખત ચૂંટણી થશે.
ચૂંટણી પ્રક્રિયાને લઈને વિવિધ જાહેરનામા
મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની યોજાનાર ચૂંટણીને લઈને જિલ્લા કલેક્ટર કે.બી.ઝવેરી દ્વારા વિવિધ જાહેરનામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. અગાઉની ચૂંટણીઓમાં કેટલાક વાંધાજનક એસ.એમ.એસ (ટૂંકા સંદેશ) સોશિયલ મીડિયા તથા સંદેશ વ્યવહારના અન્ય સાધનો થકી ચૂંટણી પ્રક્રિયાને દૂષિત કરવાનો કેટલાક લોકો દ્વારા પ્રયાસ થયાનું અનુભવ પરથી જણાયું હોવાથી ચૂંટણી વાતાવરણને દૂષિત કરતા આવા સંદેશા ઉપર મનાઈ ફરમાવી છે. ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને આદર્શ આચારસંહિતા અમલીકરણ માટે મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા લાઉડ સ્પીકરના ઉપયોગ તથા વાહનો પર લાઉડ સ્પીકર લગાડવા પર પ્રતિબંધ તેમજ મોરબી જિલ્લામાં હથિયાર સાથે સરઘસ કાઢવા, સભા યોજવા કે જાહેર સ્થળોએ ફરવા ઉપર પ્રતિબંધ અને રાજકીય પક્ષો કે વ્યક્તિઓએ વાહનોની પૂર્વ મંજૂરી મેળવવી આવશ્યક હોવાનું જાહેરનામું ફરમાવ્યું છે.
મોરબી જિલ્લા ગ્રામ પંચાયત ચૂંટણી વિગત
પ્રકાર વાંકાનેર મોરબી હળવદ માળિયા ટંકારા કુલ
સામાન્ય 08 21 09 02 02 42
વિર્સજન 01 01 00 01 00 03
વિભાજન 02 02 02 10 01 17
સરપંચ (પેટા) 05 04 00 00 00 09
સરપંચ (વોર્ડ) 03 03 01 00 05 12
વોર્ડ (પેટા) 27 28 27 10 16 108
કુલ 46 59 39 23 24 191