પાડા પુલના ટ્રાફિક ભારણમાં થશે મોટો ઘટાડો.
મોરબી:મોરબીવાસીઓ માટે એક અત્યંત રાહતના અને આનંદના સમાચાર સામે આવ્યા છે. શહેરની ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે હંમેશા જાગૃત રહેતા મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા (કાનાભાઈ)ના અથાગ પ્રયાસો અને સતત રજૂઆતો આખરે ફળીભૂત થઈ છે. રાજ્ય સરકાર દ્વારા મોરબીમાં મચ્છુ નદી પર પાડા પુલની અપસ્ટ્રીમમાં (ઉપરવાસમાં) અમૃત નગર પાસે નવો રિવર બ્રિજ બનાવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી નગરપાલિકા વિસ્તારમાં મચ્છુ નદી પર હયાત પાડા પુલ પર ટ્રાફિકનું સતત ભારણ રહેતું હતું. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા રાજ્ય સરકારમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈને રાજ્ય સરકારે ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અંતર્ગત આ નવો બ્રિજ બનાવવા માટે રૂ. ૧૫૬,૬૭,૮૦,૦૦૦/- (અંકે રૂપિયા એકસો છપ્પન કરોડ સડસઠ લાખ એંસી હજાર પૂરા) ની જંગી રકમની વહીવટી મંજૂરી આપી છે.
બ્રિજ બનવાથી શું થશે ફાયદો?
આ નવો બ્રિજ પાડા પુલની અપસ્ટ્રીમમાં અમૃત નગર પાસે બનશે. જેના કારણે સામા કાંઠા વિસ્તાર અને ભડિયાદ સાઈડથી આવતા લોકોને શહેરમાં પ્રવેશવા માટે સીધો જ નવો રસ્તો મળી રહેશે. હાલમાં આ તમામ ટ્રાફિક પાડા પુલ પરથી પસાર થાય છે, પરંતુ નવો બ્રિજ બનતાની સાથે જ સામા કાંઠાનો ટ્રાફિક ડાયવર્ટ થશે અને પાડા પુલ પરના ટ્રાફિક ભારણમાં નોંધપાત્ર ઘટાડો થશે.
શહેરની મધ્યમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવાના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી મળતા મોરબીવાસીઓમાં ખુશીની લહેર દોડી ગઈ છે અને શહેરીજનોએ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને રાજ્ય સરકારનો આભાર માન્યો છે.