Friday - Aug 21, 2026

મોરબીના બે ગ્રામ્ય વિસ્તારોમાં શ્રાવણીયો જુગાર રમતા 15 ઝડપાયા

મોરબીના બે ગ્રામ્ય વિસ્તારોમાં શ્રાવણીયો જુગાર રમતા 15 ઝડપાયા

તાલુકા પોલીસની કાર્યવાહીમાં કુલ રૂ.1.79 લાખ રોકડા કબજે, તીનપત્તીના જુગાર સામે કાર્યવાહી

મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન તળાવિયા શનાળા અને ઘુંટુ ગામની સીમમાં જાહેરમાં રમાઈ રહેલા તીનપત્તીના જુગારના બે અલગ-અલગ અડ્ડા પર દરોડા પાડ્યા હતા. બંને કાર્યવાહીમાં પોલીસે કુલ 15 શખ્સોને રૂ.1,79,050 રોકડા સાથે ઝડપી લીધા હતા. તળાવિયા શનાળામાં ઝડપાયેલા શખ્સોમાં મોટાભાગના નજીકની સીરામીક ફેક્ટરીની ઓરડીમાં રહેતા અને ત્યાં કામ કરતા હોવાનું સામે આવ્યું છે.

તળાવિયા શનાળા ગામની સીમમાં સીરામીક ફેક્ટરી નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. દરમિયાન ગોળ કુંડાળું વળી તીનપત્તીનો જુગાર રમતા નિલેશભાઇ સુરેશભાઇ સોલંકી, કિશોરભાઇ મનસુખભાઇ ભટ્ટી, છોટુભાઇ અમરશીભાઇ મકવાણા, દાતારામ સોનેલાલ કેવટ, ગણેશભાઇ પર્વતભાઇ સાહુ, કપીલભાઇ સંતરામભાઇ રાજપુત, કૃષ્ણકુમાર ઉદયભાન અહીરવાલ, મહોમદ આશીક ઉર્ફે બબલુ હમીદખાન મન્સુરી, રીન્કુકુમાર બનેંસીગ માલવી, રોહીતકુમાર શ્યામસુંદર ચમાર, રાકેશભાઇ રામસેવક નિશાદ અને ઇતરેન્દ્રસીંહ ઓમપ્રકાશ નિશાદ ઝડપાઇ ગયા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.1,52,300 રોકડા કબજે કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.

બીજી તરફ ઘુંટુ ગામ નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા તાલુકા પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. અહીંથી પ્રતાપભાઈ સવસીભાઈ દેલવાડીયા, અર્જુનભાઈ વિરમભાઈ કુંઢીયા અને મનસુખભાઈ નરશીભાઈ વાઘેલાને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી રૂ.26,750 રોકડા મળી આવતા પોલીસે કબજે કરી ત્રણેય વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. આ રીતે તાલુકા પોલીસની બે અલગ-અલગ કાર્યવાહીમાં તીનપત્તીના જુગાર સાથે કુલ 15 શખ્સો ઝડપાયા હતા અને કુલ રૂ.1,79,050 રોકડા કબજે કરવામાં આવ્યા હતા.