4 દરવાજા 6 ફૂટ ખોલાશે, મોરબી-માળિયાના નીચાણવાળા વિસ્તારોમાં તંત્રની તાકીદ, નદીના પટમાં ન જવા સૂચના
મોરબી : ગતરાત્રીથી જ ભારે વરસાદને પગલે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમમાંથી આજે બપોરે 12 વાગ્યે 4 દરવાજા 6 ફૂટ સુધી ખોલી 14,058 ક્યુસેક પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવનાર છે. ડેમમાં પાણીની આવક સતત ચાલુ હોવાથી મચ્છુ-2 સિંચાઈ યોજનાના સેક્શન અધિકારી બી.સી. પનારા દ્વારા હાઈ એલર્ટ મેસેજ જાહેર કરવામાં આવ્યો છે. પાણી છોડવાની કામગીરીને પગલે મોરબી અને માળિયા તાલુકાના મચ્છુ નદીના નીચાણવાળા વિસ્તારના કુલ 32 ગામોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે.
મોરબી તાલુકાના જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અમરનગર, મોરબી અને વજેપર ગામોને સાવચેત કરવામાં આવ્યા છે.
જ્યારે માળિયા તાલુકાના વીરવદરકા, દેરાળા, નવાગામ, મેઘપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, માળિયા (મી) અને રાસંગપર ગામોને પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે.
ડેમમાંથી પાણી છોડવામાં આવનાર હોવાથી તંત્ર દ્વારા એલર્ટ કરાયેલા ગામોના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા, માલ-મિલકત સલામત સ્થળે ખસેડી લેવા તેમજ ઢોર-ઢાંખરને નદીના પટમાં નહીં જવા દેવા સૂચના આપવામાં આવી છે. આ અંગે જિલ્લા વહીવટી તંત્રને પણ જાણ કરવામાં આવી છે.
મચ્છુ-2 ડેમની હાલની સપાટી 187.73 ફૂટ (9.98 મીટર) છે અને ડેમમાં હાલ 14,638 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. પાણી છોડવાની પ્રક્રિયાને ધ્યાનમાં રાખી નદી કાંઠાના તથા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા તાકીદ કરવામાં આવી છે.