હળવદ : આજે શનિવારે વહેલી સવારે હળવદ તાલુકાના કવાડિયા ગામના પાટીયા નજીક મજૂરો ભરેલી બોલેરો પીકઅપ પલટી ખાઈ જતા 13 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જેમાં પાંચ વ્યક્તિઓને વધુ સારવારની જરૂર હોય મોરબી રીફર કરાયા હતા.
આજે શનિવારે સવારના આઠેક વાગ્યાના અરસામા હળવદ તાલુકાના કવાડિયા ગામના પાટીયા નજીક માનસર અને જીઆઇડીસીમાંથી મજૂરો ભરી બોલેરો પીકઅપ જઈ રહી હતી ત્યારે ચાલકે સ્ટેરીંગ પર કાબૂ ગુમાવતા બોલેરો પીકઅપ પલટી ખાઈ ગઈ હતી જેથી તેમા બેઠેલા મહિલાઓ, પુરુષો અને બાળકો સહિત 13 લોકોને ઇજાઓ થઈ હતી.
આ અકસ્માતમાં રમેશભાઈ જેરામભાઈ, વિનુબેન રમેશભાઈ,આરતીબેન ચંદુભાઈ, મંજુબેન વિઠ્ઠલભાઈ,જયપાલ ભાઈ ભુપતભાઈ,વસંતબેન મનજીભાઈ,લાભુબેન ઘનશ્યામભાઈ, વર્ષાબેન વશરામભાઈ,જીગુબેન ઘનશ્યામભાઈ,ધુનાબેન હકાભાઇ, મનિષાબેન દિનેશભાઈ રહે તમામ માનસર તા.હળવદ તેમજ મંજુબેન વિઠ્ઠલભાઈ, શાંતિબેન બીજલભાઇ, જીવતીબેન હરીશભાઈ રહે હળવદ જીઆઇડીસીનો સમાવેશ થાય છે. આ ગંભીર અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા મંજુબેન, આરતીબેન, શાંતીબેન, વસંતબેન અને જીવતીબેનને વધુ સારવારની જરૂર હોય મોરબી રીફર કરવામાં આવ્યા હતા.