Monday - Aug 10, 2026

મોરબીમાં રાજપર રોડ પરથી ગોડાઉનમાંથી 1272 ગુણી શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો સીઝ

મોરબીમાં રાજપર રોડ પરથી ગોડાઉનમાંથી 1272 ગુણી શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો સીઝ

એસ.ઓ.જી.ટીમે જય એગ્રોના માલિકે ભાડે રાખેલા ગોડાઉનમાં દરોડો પાડી રૂ.3,38,988 નો મુદ્દામાલ કબ્જે લઈ વધુ કાર્યવાહી ખેતી વિભાગને સોંપાઈ

મોરબી : મોરબીના રાજપર રોડ ઉપર એક ગોડાઉનમાંથી એસ.ઓ.જી. એટલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે શંકાસ્પદ યુરિયા ખાતરનો મોટો જથ્થો ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ગોડાઉનમાંથી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ગૃહ વિભાગની સૂચના અનુસાર વિસ્ફોટકો, એમોનિયમ નાઈટ્રેટ અને તેના ઉત્પાદન માટે વપરાતા અન્ય રસાયણોની ખરીદી, સંગ્રહ અને વેચાણ પર દેખરેખ રાખવા માટે બોર્ડર રેન્જ (ભુજ)ના પોલીસ મહાનિરીક્ષક અને મોરબીના પોલીસ અધીક્ષક દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અન્વયે પેટ્રોલિંગ દરમિયાન મોરબી એસ.ઓ.જી.ના પોલીસ ઈન્સપેક્ટર આર.સી. ગોહિલ અને તેમની ટીમને ખાનગી બાતમી મળી હતી કે, રાજપર રોડ પર મામાદેવના મંદિરની સામેની શેરીમાં આવેલ 'જય એગ્રો'ની બાજુના ગોડાઉનમાં શંકાસ્પદ યુરિયાનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો છે.

ચોક્કસ બાતમીના આધારે એસ.ઓ.જી.ટીમે નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) મોરબીને જાણ કરી હતી અને સ્થળ પર જઈને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ગોડાઉન મોરબીના રહેવાસી અને જય એગ્રોના માલિક જયેશભાઈ કાનજીભાઈ બુડાસણાએ ભાડે રાખેલું છે..પોલીસે આ ગોડાઉનમાંથી આશરે રૂ.3,38,988 રૂપિયાની કિંમતનો કુલ 1272 ગુણી શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો જપ્ત કર્યો છે. સીઝ કરવામાં આવેલો આ તમામ મુદ્દામાલ કાયદેસરની કાર્યવાહી કરવા માટે નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) મોરબીને સોંપવામાં આવ્યો છે.