સફાઈ કામગીરી નિયમિત અને સુવ્યવસ્થિત કરવા નાયબ કમિશનરની તાકીદ
મોરબી: મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણને નુકસાન કરનાર સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવાના હેતુથી મનપાએ વિવિધ વિસ્તારોમાં ઓચિતું ચેકિંગ કરી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર 12 વેપારીઓને કુલ રૂ.9,000 દંડ ફટકાર્યો હતો.
મોરબી મનપાએ ગઢની રાંગ, રામઘાટ, મહિલા પોલીસ સ્ટેશન, લીલાપર મેઇન રોડ અને વજેપર શેરી નં. 18 પાસે સાઇટ વિઝિટ કરી ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનના પોઈન્ટ્સનું નિરીક્ષણ કરી સફાઈ કામગીરી નિયમિત અને સુવ્યવસ્થિત રીતે થાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. તેમજ નગર દરવાજા અને શાક માર્કેટ જેવા શહેરના હાર્દ સમાન વિસ્તારોમાં ચેકિંગ કરી સિંગલ યુઝ પ્લાસ્ટિક રાખતા વેપારીઓ સામે કાર્યવાહી કરી હતી. આગામી સમયમાં આ ઝુંબેશ વધુ આક્રમક બનાવવામાં આવશે તેવી ચેતવણી પણ વેપારીઓ અને લારી-ગલ્લા ધારકોને આપવામાં આવી છે.
2 ટન ઓર્ગેનિક ખાતર
મોરબી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ગાંધીચોક ખાતે છેલ્લા 3 મહિનાથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કંપોસ્ટિંગ ખાતર બનાવવાની પ્રક્રિયા ચાલી રહી હતી. જે અંતર્ગત અંદાજિત 2 ટન જેટલું કંપોસ્ટિંગ ખાતર તૈયાર કરવામાં આવ્યું છે, આ ખાતરનો ઉપયોગ પાલિકા દ્વારા કરવામાં આવતા વૃક્ષારોપણ અને બગીચાઓના જતનમાં કરવામાં આવશે.