દારૂના 200 કેસ, 30 આરોપીઓ તડીપાર, 10 પાસા હેઠળ અલગ અલગ જેલમાં ધકેલાયા
મોરબી : મોરબી મનપા, નગરપાલિકાઓ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સમગ્ર જિલ્લા પોલીસ સ્ટાફ એક્શનમાં આવી અસામાજિક પ્રવૃતિઓ કડક હાથે ડામી દેવા ધડાધડ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પહેલા તો પોલીસે ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ વાતાવરણમ ચૂંટણીઓ યોજાઈ તે માટે તમામ હથિયારો કબ્જે લઈ ગુનાહિત માનસિકતા ધરાવતા તમામ આરોપીઓ સામે પાસા સહિતનો કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલના જણાવ્યા મુજબ જિલ્લામાં ભયમુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન યોજાય તે માટે જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા લાયસન્સ ધરાવતા હથિયારો જમા લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેમાં અત્યાર સુધીમાં અંદાજે 1100 જેટલા હથિયારો પોલીસ પાસે જમા કરવામાં આવ્યા છે. ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો સામે પોલીસ દ્વારા સકંજો કસવામાં આવ્યો છે. છેલ્લા 15 દિવસમાં લાંબા સમયથી નાસતા ફરતા અને વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા શખ્સો સામે 450 જેટલા નોન બેલેબલ વોરંટની બજવણી કરવામાં આવી છે. આ ઉપરાંત ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની વિવિધ કલમો હેઠળ 1627 શખ્સો સામે અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા છે, . જિલ્લામાં દારૂબંધીની કડક અમલવારી માટે પ્રોહિબિશન એક્ટ હેઠળ 200 જેટલા કેસ કરી ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવી છે. એટલું જ નહીં, અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે જિલ્લામાંથી 30 શખ્સોને તડીપાર કરવામાં આવ્યા છે અને 10 જેટલા માથાભારે ઈસમોને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યા છે.