મહિલા મોરચાના પ્રમુખ અલ્પાબેન કક્કડે અને બુથ પ્રમુખ સીમાબેન સોલંકીએ પક્ષથી નારાજ થઈ રાજીનામું આપતા ભાજપમાં ભંગાણ
મોરબી : મોરબીમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં જ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માં ભંગાણ થયું છે. મોરબી શહેર ભાજપના બે સક્રિય મહિલા આગેવાનોએ પોતાના હોદ્દા અને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામા ધરી દેતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
મોરબી શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અલ્પાબેન અજયભાઈ કક્કડે તારીખ 15-4-2026 ના રોજ રાજીનામું ધર્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીના તમામ પ્રાથમિક અને સક્રિય સભ્યપદ તેમજ મોરબી શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પદેથી રાજીનામું આપી રહ્યા છે. છેલ્લા 3 વર્ષથી મોરબી શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવતા અલ્પાબેન કક્કડે જણાવ્યું હતું કે, તેમણે મોરબીના વિવિધ વિસ્તારોમાં રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ અને ગટર જેવી પાયાની સુવિધાઓ માટે ઉમદા કામગીરી કરી છે. પક્ષમાં પ્રજાના કામ કરતા અને પ્રજાપ્રિય લોકોની કદર થતી ન હોવાના આક્ષેપ સાથે તેમણે ભાજપ સાથેનો છેડો ફાડી નાખ્યો છે. વધુમાં, તેમણે જાહેરાત કરી છે કે તેઓ હવે મોરબીના વોર્ડ નંબર 7 માંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.
બીજી તરફ, હાલમાં બૂથ પ્રમુખ તરીકે સેવા આપતા સીમાબેન અશોકભાઈ સોલંકીએ પણ તારીખ 16-4-2026 ના રોજ પોતાનું રાજીનામું પક્ષને મોકલી આપ્યું છે. પોતાના રાજીનામાના પત્રમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેઓ પોતાના મતવિસ્તારની જનતાની લાગણી અને લોકશાહીના મૂલ્યોને ધ્યાનમાં રાખીને 'અપક્ષ ઉમેદવાર' તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય કરી ચૂક્યા છે. પક્ષની શિસ્ત અને નૈતિકતા જળવાઈ રહે તે હેતુથી તેમણે પક્ષના તમામ હોદ્દાઓ તેમજ સક્રિય અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે.