Sunday - Nov 01, 2026

મોરબીમાં 1000 જરૂરિયાતમંદોને માટીના કોડિયાં આપી "સ્વદેશી" દિવાળી ઉજવવાનો સંકલ્પ લેવડાવ્યો

મોરબીમાં 1000 જરૂરિયાતમંદોને માટીના કોડિયાં આપી

ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા કોમ્પ્યુટર કોર્સ પૂર્ણ કરનાર બાળકોને પ્રમાણપત્ર સાથે બ્રાન્ડેડ કુર્તીઓની ભેટ, સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા ‘વોકલ ફોર લોકલ’નો સંદેશ

મોરબી : દિવાળીના પર્વે સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક કારીગરોની મહેનતને બિરદાવવાના વોકલ ફોર લોકલનો સંદેશ આપવાના હેતુથી મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા મોરબીની સિવિલ હોસ્પિટલ પાસે 1 જરૂરિયાતમંદોને માટીના કોડિયાનાં પેકેટનું વિતરણ કરી "સ્વદેશી દિવાળી" ઉજવવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત કોમ્પ્યુટર કોર્સ પૂર્ણ કરનાર બાળકોને પ્રમાણપત્ર એનાયત કરવાની સાથે નવી બ્રાન્ડેડ કુર્તીઓની દિવાળી ભેટ પણ આપવામાં આવી હતી.

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ‘વોકલ ફોર લોકલ’ના સ્લોગનને અનુસરીને આ વિશેષ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. દિવાળીની ખરીદી ચાઇનીઝ વસ્તુઓના બદલે ભારતના સ્થાનિક કારીગરો પાસેથી કરવામાં આવે અને તેમની કળા તથા મહેનતને પ્રોત્સાહન મળે તે આ અભિયાનનો મુખ્ય હેતુ હતો. ભારતની માટીમાંથી તૈયાર થયેલા કોડિયાનાં પેકેટનું વિતરણ કરીને લોકોને સ્વદેશી વસ્તુઓ અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. દેશનું નાણું દેશમાં જ વપરાય અને સ્થાનિક કારીગરોની દિવાળી પણ પ્રકાશમય બને તેવી ભાવના સાથે આ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્ય સંસ્થાનાં હાલનાં પ્રેસિડેન્ટ ડોક્ટર સુષ્માબેન દુધરેજિયાના આર્થિક સહયોગથી સાકાર થયું હતું. સંસ્થાના મતે, દરેક તહેવારની ઉજવણીમાં સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ થાય અને લોકો સ્થાનિક કારીગરો પાસેથી ખરીદી કરીને દેશના અર્થતંત્રને પ્રોત્સાહન આપે તેવો વિચાર જનમાનસ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

8 સપ્ટેમ્બર વિશ્વ સાક્ષરતા દિવસથી શરૂ કરવામાં આવેલા ટ્રિપલ સી સર્ટિફાઇડ કોમ્પ્યુટર કોર્સનું આયોજન પૂર્ણ થતાં તેમાં જોડાયેલા તમામ બાળકોને સુજતન કોમ્પ્યુટર સેન્ટરનાં સંચાલિકા હીનાબેન પરમાર દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં. સાથે જ મોરબીના રવાપર રોડ પર આવેલા ઓન્લી એન એક્સ શોરૂમના સહયોગથી તમામ બાળકોને નવી બ્રાન્ડેડ કુર્તીઓ દિવાળીની ભેટરૂપે આપવામાં આવી હતી. આ ભેટ આપવાની પ્રેરણા સંસ્થાનાં વાઇસ પ્રેસિડેન્ટ સાધનાબેન ઘોડાસરાએ પૂરી પાડી હતી. મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની સ્થાપના 29 ઓક્ટોબર, 2017ના રોજ થઈ હતી. મહિલાઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ કાર્યક્રમો યોજવાની સાથે મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરતી આ સંસ્થાએ નવ વર્ષ પૂર્ણ કરી દસમા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ પ્રસંગે ચાર્ટર ડેની ઉજવણી પણ કરવામાં આવી હતી. દર વર્ષે ટ્રિપલ સી સર્ટિફાઇડ કોમ્પ્યુટર કોર્સ સ્પોન્સર કરવા બદલ કચ્છના માધાપર ગામના અને હાલ દુબઈ સ્થિત નરેશભાઈ કાનજીભાઈ મેપાણી તેમજ સુજતન કોમ્પ્યુટર સેન્ટરનાં સંચાલિકા હીનાબેન પરમારની સેવાને સંસ્થાના ફાઉન્ડર શોભનબા ઝાલા અને ઇન્ડિયન લાયોનેસ મોરબી પરિવાર દ્વારા બિરદાવવામાં આવી છે.