Sunday - Nov 01, 2026

મોરબીમાં નજીવી બાબતે બે જૂથો વચ્ચે લોહિયાળ અથડામણ : ત્રણેક વ્યક્તિઓ પર લાકડી, છરી અને ધારીયાથી હુમલો

મોરબીમાં નજીવી બાબતે બે જૂથો વચ્ચે લોહિયાળ અથડામણ : ત્રણેક વ્યક્તિઓ પર લાકડી, છરી અને ધારીયાથી હુમલો

સ્કૂટરનું કાવું મારવા જેવી બાબતે શરૂ થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, સાત શખ્સો સામે ગુનો નોંધાયો

મોરબી : મોરબી શહેરના જૂના બસ સ્ટેશન સામે ગત મોડી રાત્રે સ્કૂટરનું કાવું મારવા જેવી નજીવી બાબતે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ લોહિયાળ અથડામણ થઈ હતી. સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને પક્ષના લોકો લાકડી, ધારીયા, છરી અને પાઈપ જેવા હથિયારો સાથે સામસામે આવી ગયા હતા. જેમાં આડેધડ હુમલો થતાં ત્રણથી ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી અને એક યુવકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલા સનરાજ પાર્કમાં રહેતા અને માછીમારીનો વ્યવસાય કરતા અકરમભાઈ કાદરભાઈ મોવર ગત રાત્રે પોતાના મિત્ર સાઉદીન ઉમરભાઈ કટિયા સાથે એક્ટિવા લઈને ચા પીવા માટે જૂના બસ સ્ટેશન સામે ગયા હતા. દરમિયાન મહેબુબ કાસમ સાથે સ્કૂટરનું કાવું મારવા બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં ગાળો બોલવા અને ઝઘડો કરવા બાબતે મામલો ઉગ્ર બન્યો હતો. થોડી જ વારમાં બંને પક્ષના લોકો લાકડી, ધારીયા, છરી અને પાઈપ જેવા હથિયારો સાથે સામસામે આવી ગયા હતા. આ દરમિયાન હારુન ખમીસાએ ધારીયા વડે અકરમભાઈ પર હુમલો કર્યો હતો, જ્યારે મહેબુબ કાસમે છરી વડે અકરમભાઈના ભાઈ એજાજને ગંભીર ઈજા પહોંચાડી હતી. અન્ય શખ્સોએ પણ પાઈપ અને છરી વડે હુમલો કરી મારામારી કરી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં મહેબુબ કાસમ, હારુન ખમીસા, એજલો ઉર્ફે એજાજ, કાસમ બસીર, ગઢવી, અજિત સુલેમાન અને મહમદ કાસમ સહિત સાત શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.