Sunday - Aug 02, 2026

મચ્છુ-3માંથી 1,674 ક્યુસેક પાણી છોડાયું, 21 ગામોને એલર્ટ

મચ્છુ-3માંથી 1,674 ક્યુસેક પાણી છોડાયું, 21 ગામોને એલર્ટ

ડેમનો 1 દરવાજો 2 ફૂટ ખોલાતા મોરબી-માળિયાના નીચાણવાળા ગામોમાં નદીના પટમાં ન જવા તંત્રની સૂચના

મોરબી : મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ નજીક આવેલા મચ્છુ-3 ડેમમાંથી વધારાનું પાણી મચ્છુ નદીમાં છોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ ડેમનો 1 દરવાજો 2 ફૂટ ખોલીને 1,674 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડાતા મોરબી અને માળિયા તાલુકાના નીચાણવાસમાં આવતા કુલ 21 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

હાલ ડેમમાં પણ 1,674 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીના પટ અને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા વહીવટી તંત્ર દ્વારા લોકોને સૂચના આપવામાં આવી છે.

મોરબીના 13 ગામો એલર્ટ

ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ અને સોખડા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

માળિયાના 8 ગામોનો સમાવેશ

દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવદરકા, માળિયા (મી), હરીપર અને ફતેપર ગામોને પણ સાવચેત કરવામાં આવ્યા છે.

સિંચાઈ વિભાગના અધિકારી આર.વી. કાંગડના જણાવ્યા મુજબ, પાણી છોડવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને નીચાણવાસના તમામ ગામોના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. નદી વિસ્તારમાં પશુઓને પણ ન લઈ જવા તંત્ર દ્વારા સાવચેતી રાખવા જણાવાયું છે.