Friday - May 08, 2026

મોરબીની ત્રાજપર ચોકડી નજીક પ્રૌઢની છરીના ઘા ઝીકી નિર્મમ હત્યા

મોરબીની ત્રાજપર ચોકડી નજીક પ્રૌઢની છરીના ઘા ઝીકી નિર્મમ હત્યા

મોરબી શહેરના ત્રાજપર ચોકડી નજીક ગઈકાલે રાત્રીના સમયે ટ્રાન્સપોર્ટની ઓફીસ બહાર ગેલેરીમાં સુવાની ના પાડનાર આધેડને ત્રણ લુખ્ખા તત્વોએ આડેધડ છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. હાલ ત્રણેય હત્યારાઓ ઓળખાય ગયા હોવાનું સામે આવ્યું છે.

મોરબી શહેરના આનંદનગરમાં રહેતા ગિરિરાજગીરી ઉર્ફે સંદીપગીરી જેઠીગીરી ગોસાઈ નામના ટ્રાન્સપોર્ટર યુવાને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગતરાત્રીના તેઓ ઓફિસથી જમવા ગયા હતા ત્યારે તેમના પિતા જેઠીગીરી અમરગીરી ગોસાઈ ઓફિસે હતા ત્યારે આરોપી મુસ્તાક ઉર્ફે કાળો ઓસમાણભાઈ મિયાણા રહે.ખીરઇ તા.માળીયા મિયાણા, આરોપી જાકિર બચુભાઇ સંધી રહે.ત્રાજપર ખારી અને આરોપી ઇકબાલ હૈદર જેડા રહે.શોભેશ્વર મફતિયાપરાવાળાઓ ઓફિસની બહાર ગેલેરીમાં સુવા માટે આવતા તેમના પિતા જેઠીગીરીએ સુવાની ના પાડી હતી.
બાદમાં મૃતક જેઠીગીરીએ બનાવ અંગે વાત કરતા ફરિયાદી ગિરિરાજગીરી ઓફિસે આવ્યા હતા અને આરોપીઓ ત્યાંથી ઝઘડો કરી જતા રહ્યા હતા. જે બાદ રાત્રીના દસેક વાગ્યે ફરિયાદી ગિરિરાજગીરી ઓફિસેથી જતા રહ્યા હતા અને મૃતક જેઠીગીરી ઓફિસની ગેલેરીમાં બેઠા હતા ત્યારે હત્યારા ત્રણેય આરોપીઓ ફરી ઓફિસની ગેલેરીમાં આવ્યા હતા અને ઝઘડો કરી જેઠીગીરીને છરીના ઘા મારી દેતા બાજુની ઓફીસ વાળાઓએ ગિરિરાજગીરીને બનાવ અંગે જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા અને તેમના પિતાને સારવારમાં ખસેડતા મૃત જાહેર કરાયા હતા. હત્યાના બનાવ અંગે હાલમાં સીટી બી ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.