મોરબીમાં ગર્વમેન્ટ કે બેંકના નામે કોલ કરી સાઇબર માફિયાઓએ નવતર રીતે સાઇબર ફ્રોડનો અનેક લોકોને બનાવ્યા શિકાર, સાવધાન ! આવા કોઈ કોલ આવે તો ટેક્સ્ટ મેસેજના નબરમાં કોલ ન કરવા અપીલ
મોરબી : મોરબીમાં હમણાંથી એક નવા જ પ્રકારના સાઇબર ફ્રોડનો અનેક લોકો શિકાર થયા છે. જો કે સાઇબર ફ્રોડથી લોકો જાગૃત થયા હોય પણ આ નવતર સાઇબર ફ્રોડમાં ભેજાબાજોએ ગર્વમેન્ટનો ઉપયોગ કરતા લોકોને સરકારમાંથી શુ આવ્યું હશે ? તેવી સહજ ચિંતા સાથે કોલ કરે કે તુરત જ સાઈબર માફિયાઓ તેમનો મોબાઈલ હેક કરી નાખે છે. પછી એમના નામે વ્હોટ્સએપમાંથી એમના સગા સંબંધીઓને મેસેજ કરી રૂપિયાની માંગણી કરે છે. પણ લોકો સચેત થયા હોય હજુ સુધી કોઈના પૈસાનું ચિટીંગ થયું ન હોવાનું બહાર આવ્યું છે.
લોકોમાંથી ઉઠતી ફરિયાદ મુજબ, તેમના મોબાઈલમાં કોઈ હિન્દી ભાષી હિન્દીમાં ખાનગી કુરિયર કંપનીમાંથી બોલું છું એવું કહી ગર્વમેન્ટ કે બેન્કનું નામ આપી આ ગર્વમેન્ટનું તમારા નામનું કુરિયર આવ્યું છે. તમારા વિસ્તારમાં અમારો માણસ કુરિયર લઈને ઉભો છે એને તમારું સરનામું મળતું નથી. માટે હું તમને તમારા ફોનમાં ટેક્સ મેસેજ કરું છું એ ફોન નંબરમાંથી તમે કુરિયર કલેક કરી લેજો.આથી એ વ્યક્તિ કુરિયર લેવા માટે એ ટેક્સ મેસેજમાં આવેલા ફોન નંબર પર ફોન કરે કે તુરંત. જ તેનો મોબાઈલ હેક થઈ જાય. ખાસ કરીને વ્હોટ્સએપ કામ કરતું બંધ થઈ જાય અને એનું સંચાલન સાઇબર માફિયાઓ કરીને જે તે વ્યક્તિના વ્હોટ્સએપમાથી તેના સગા સંબંધીને પૈસાની હેલ્પના મેસેજ મોકલે પણ લોકો હવે જાગૃત થઈ ગયા હોય એ મેસેજને અંધારે પૈસા મોકલતા જ નથી. તેથી આવા નવા સાઇબર ફ્રોડનો અનેક લોકો શિકાર બન્યા હોવાનું જાણવા મળ્યું છે. તેથી ફોન હેક ન થાય એ માટે આવા સાઇબર માફિયાઓની માયાજાળમાં ન ફસાવવા માટે સચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.
ગર્વમેન્ટનું નામ પડતા જ લોકો ફોન કરવા મજબૂર થયા
રોજ રોજ મોબાઈલ કોમ્યુટર સહિતના ક્ષેત્રે નવી નવી ટેકનોલોજી વિકસી રહી છે. ટેકનોલોજીનો વિકાસ લોકોની સુખ સગવડો વધારવા તેમજ દેશને સશક્ત કરવા માટે થાય છે. પણ કેટલાક સાઇબર માફિયાઓ માસ્ટર માઇન્ડની મદદથી ટેકનોલોજીની વિક ટેક્નિકનો પોતાના મલિન ઈરાદા પાર પાડવા માટે કરે છે. જો કે આમ તો હું શિક્ષિત અને સાઇબર ફ્રોડથી સાવધાન રહ્યો છું. પરંતુ મારી દીકરીનો પાસપોર્ટ આવવાનો હતો. એટલે મને જેવો હિન્દી ભાષીનો ફોન આવ્યો કે, તમારું ગર્વમેન્ટમાંથી કુરિયર આવ્યું છે અને એણે ગર્વમેન્ટનું કહ્યું એટલે મને લાગ્યું કે, પાસપોર્ટ આવ્યો હશે. પણ એણે કહ્યું કે, અમારા માણસને તમારું ઘર મળતું નથી. એટલે એણે જે ટેક્સ મેસેજમાં ફોન નંબર આપ્યો હતો. એ ટોલ નંબર હતો પણ પાસપોર્ટ મેળવવાની ઉતાવળમાં મેં પણ કોલ કરી નાખ્યો એ સાથે મારો મોબાઈલ ફોરવર્ડ થઈ ગયો અને વ્હોટ્સએપ હેક થઈ ગયું, પછી મારા નામે મારા વ્હોટ્સએપમાં મારા સગા સબધી મિત્રોને પૈસાની માંગણી માટે મેસેજનો મારો શરૂ થઈ ગયો.પણ કોઈએ પૈસા મોકલ્યા નહિ. આજ રીતે મોરબીના મારા પરિચિતમાં 20થી વધુ લોકો નવા સાઇબર ફોર્ડનો શિકાર બન્યા છે.
-જતીનભાઈ ફુલતરીયા, ભોગ બનનાર
બેન્ક મેં સે કુરિયર આયા હે કહીને મોબાઈલને ડાયવર્ટ કરી નાખ્યો
મને બે ત્રણ દિવસ પહેલા કોઈ હિન્દી ભાષી વ્યક્તિનો ફોન આવ્યો કે, ખાનગી કુરિયરનું નામ આપી આપકા બેન્ક મેં સે કુરિયર આયા હોવાનું કહી અમારો કુરિયર બોય તમારા વિસ્તારમાં છે પણ તેને તમારું સરનામું મળતું નથી. એક ટેક્સ મેસેજથી નંબર મોકલું છું એની સાથે તમે કોલોબ્રેશન કરી લેજો. આથી એ નંબર ટોલ નંબર હતો પણ બેંકનો હોવાથી અગત્યની વસ્તુ હશે એમ માની ફોન કરતા જ મારો મોબાઈલ નંબર ડાયવર્ટ થઈ ગયો. આ રીતે ફોન જ હેક થઈ ગયો, કોઈ ફોન કરે તો બંધ આવે. ઓટીપી પણ એને મળે. વ્હોટ્સએપ હેક કરી મારા પરિચિતોને પૈસા માટે મેસેજ મોકલ્યા હતા. ઈંગ્લીશ 60 લખેલા આવતા હોવાથી બધાને ખબર પડી કે, આ બાબત ફ્રોડ છે. બીજા અન્ય 8 જેટલા વ્યક્તિને ફોન કરીને એમના ફોન હેક કર્યા હતા.
- જયદીપભાઈ કંડયા, ભોગ બનનાર
સાઇબર સેલ સુધી ઓફિઝિયલી ફરિયાદ પહોંચી નથી
સાઇબર ફ્રોડમાં ભોગ બનનાર તમામ લોકોના પૈસા ગયા નથી. તેમના પરિચિતોએ પણ પૈસા મોકલ્યા નથી. એટલે ઠગબાજોનો હેતુ બર આવ્યો નથી. સુત્રોમાંથી જણવા મળતી વિગતો મુજબ આ બનાવો વધી રહ્યા છે. પણ સાઇબર સેલમાં ફરિયાદ પહોંચી નથી. પણ કેટલાક લોકોએ મૌખિક ફરિયાદ કરતા અને મોબાઈલ હેક થયા બાદ ફરી ચાલુ કરવાની પ્રોસેસ કરાવતા પોલીસે લોકોને આ અંગે સાવધાન રહેવાની સલાહ આપી છે. જો કે ગેગ ઈન્ટરનેટ મારફતે ઓપરેટ કરતી હોય અને યુપી બિહારની હોય એટલે પકડવી મુશ્કેલી હોવાથી હાલ તો પોલીસે લોકોને સાવધાની વર્તવાની સલાહ આપી છે.