Thursday - Jul 02, 2026

મોરબીમાં સોશિયલ એક્ટ થકી ડ્રગ્સના દુષણથી દૂર રહેવા યુવાનોને જાગૃત કરાયા

મોરબીમાં સોશિયલ એક્ટ થકી ડ્રગ્સના દુષણથી દૂર રહેવા યુવાનોને જાગૃત કરાયા

પોસ્ટરો દ્વારા યુવાનોને ડ્રગ્સના દુષણ અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરાયો

મોરબી : હાલ ડીઝીટલ યુગમાં યુવાનો જેટલા ચપળ બની રહ્યા છે. એટલી જ ત્વરાથી બરબાદી નોતરી રહ્યા છે. કારણ કે, ઘણા યુવાનો ઝડપભેર ડ્રગ્સના અજગરી ભરડામાં લપેટાઈ ગયા છે. ડ્રગ્સ હમેશા વિનાશ લીલા જ નોતરે છે. તેથી મોરબીમા વર્ષોથી યુવા પેઢીને તમામ દુષણોથી બચાવીને દેશપ્રેમ તરફ વાળવા માટે જગૃત કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા યુવાનોને ડ્રગ્સના દુષણથી બચાવવા માટે પહેલ કરવામાં આવી હતી અને યંગ ઇન્ડિયા ગ્રુપે સોશિયલ એક્ટ કાર્યક્રમ યોજી યુવાનોને ડ્રગ્સના દુષણથી દૂર રહેવાનો સંદેશ આપ્યો હતો.

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ સોશિયલ એક્ટ કાર્યક્રમ સ્કાય મોલ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંઘવી એન્ડ સન્સ મુવીના અભિનેત્રી કોમલ ઠક્કર પણ જોડાયા હતા. તેઓ એકમાત્ર ગુજરાતી અભિનેત્રી છે જેઓને કાન્સ ફેસ્ટિવલમાં જવાનો અવસર પ્રાપ્ત થયો હતો. તેઓએ યુવાનોને આવા દુષણોથી દૂર રહેવાનો મેસેજ આપ્યો હતો. આ કાર્યક્રમમાં પોસ્ટરો દ્વારા યુવાનોને ડ્રગ્સના દુષણ અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો. આ કાર્યક્રમમાં યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે હાલ ડ્રગ્સનું દુષણ આપણા રાજ્યથી શહેરમાં ફેલાઈ રહ્યું છે. જો વહેલી તકે આ દુષણ સામે જાગૃતિ લાવવામાં નહીં આવે તો આવનારા સમયમાં તેના ભયાનક પરિણામો આવશે. એટલે આ ડ્રગ્સનું દુષણ અજગરી ભરડો લઈ યુવાનો અને તેના પરિવારોને વેર વિખેર કરે તે પહેલાં તેને નાથવા માટે તમામ જાગૃત નાગરિકો અને સંસ્થાઓએ આગળ આવી જાગૃતિ ફેલાવવી જરૂરી છે.

ફોટા - રવિ બરાસરા