મોરબીની જીવાદોરી ગણાતા મચ્છુ-2 ડેમના દરવાજાના રિપેરીગ માટે તંત્રએ ડેમનું પાણી નદીમાં છોડી શહેરીજનો ઉપર પાણી કાપ મૂકીને 36 કલાકે પાણી વિતરણ કરતા એક પછી એક એમ ઘણા વિસ્તારમાં ભર ઉનાળે પાણીનો પોકાર ઉઠ્યો છે. જેમાં આજે વધુ ત્રણ સોસાયટીઓની મહિલાઓએ એક-દોઢ માસથી પાણી ન આવતા સહન શક્તિ ગુમાવીને પાલિકામાં મોરચો માંડી જળ એજ જીવન હોય, પાણી વગર જીવન જ શક્ય ન હોવાનું જણાવી પાણી આપો.... પાણી આપો...તેવી ધૂન બોલાવી પાણી આપોની નારેબાજી કરી પાલિકા તંત્રની સંવેદના હચમચાવી નાખી હતી.
મોરબીમાં આજે વાવડી રોડ ઉપર આવેલી ઉમિયા ગેટની અંદર આવેલ ત્રિમૂર્તિ અને સ્વાતિ સોસાયટીની મહિલાઓએ પાલિકામાં પાણી પ્રશ્ને પાલિકામાં હલ્લાબોલ કર્યું હતું અને પાલિકા તંત્ર સમક્ષ પાણીની હૈયાહોળી વર્ણવી હતી અને પાણી પ્રશ્ને મહિલાઓએ તંત્ર સમક્ષ ઉગ્ર આક્રોશ ઠાલવી છેલ્લા દોઢ માસથી પાણી આવતું ન હોય પોસાય તેમ ન હોવા છતાં વેચાતું પાણી લેવા મજબુર બનવું પડે છે. પાણી એક એક બુંદની કિંમત સમજાય હોય ત્યારે તંત્ર ક્યારે અમારી પાણીની વેદના સમજશે તેવું કહીને ઉગ્ર રજુઆત કરી હતી.
મોરબીના લાતીપ્લોટ પાછળ અને મુનનગર ચોક પાસે ન્યુ ચંદ્રેશનગરની બાજુમાં આવેલ ઋષભ પાર્કમાં ઘણા સમયથી પીવાના પાણીનો સળગતો પ્રશ્ન છે. પાણી વગર કઈ ચાલતું ન હોવાથી ટેન્કરો મંગવવા પડે છે. જો કે બાજુની સોસાયટીના અમુક તત્વો દ્વારા તેમની સોસાયટીની પાણીની લાઈનમાં ગેરકાયદે વાલ્વ મૂકી પાણી ચોરી કરાતી હોવાથી તેમને પાણી મળતું નથી. આ સોસાયટીમાં 400 લોકો પાણી ન મળતા તરસ્યા છે. જ્યારે જ્યારે રજુઆત કરવા આવીએ ત્યારે તંત્ર કાર્યવાહી કરે અને થોડા દિવસ સુધી અમને પાણી મળે પણ થોડા સમય પછી રાબેતા મુજબ ભૂતિયા કનેક્શન નાખીને પાણી ઉપાડી લેવામાં આવે છે. રોજે રોજની પાણીની આ હૈયાહોળીથી મહિલાઓ સહિતના લોકોએ ધીરજ ગુમાવી અને નગરપાલિકાએ દોડી જઈને પાણી પ્રશ્નનું કાયમી નિરાકરણ કરવાની રજુઆત કરી હતી.
પાણી પ્રશ્નનું કાયમી નિરાકરણ નહિ આવે ત્યાં સુધી બેસી રહેશું
સ્થાનિક રહીશ જયદીપ સંઘાણીએ પાલિકા તંત્ર સમક્ષ ઉગ્ર રજુઆત કરી હતી કે, અમારા પાણીના નળમાં કયારે પાણી આવ્યું હતું એ યાદ જ નથી. કારણ કે લાંબા સમયથી પાણી આવ્યું જ નથી. પાણીનું મૂલ્ય અમને તો સમજાય છે. કારણ કે પાણી ન આવતા હજારો રૂપિયા પાણીને ટેન્કર પાછળ વાપરી નાખ્યા છે. એટલે અંધેરી નગરી ગાંડું રાજા જેવી પાલિકામાં સ્થિતિ છે. એટલે આ હાલ રજુઆત કરવા પાલિકામાં આવ્યા હોય પણ કોઈ અધિકારી હાજર ન હોવાથી જ્યાં સુધી પાણી પ્રશ્ન હલ નહિ થાય ત્યાં સુધી પાલિકામાંથી હટીશુ નહી તેવો તેમણે લલકાર કર્યો હતો.
હજુ એક મહિના સુધી પાણી આ સ્થિતિ રહેશે
મચ્છુ ડેમ હજારો લોકોનો પીવાના પાણીનો એકમાત્ર સ્ત્રોત છે. ત્યારે આ ડેમના દરવાજાનું રિપેરીગ કામ ચાલુ હોય અને ડેમ ખાલી કરાતા પાણીની ભારે કટોકટી સર્જાય છે. હવે ચોમાસુ નજીક આવતા કદાચ વરસાદ પડે તો સીધો જ આ ડેમ ભરાય જવાનો નથી. એટલે એક મહિના સુધી પાણી વિકટ પરિસ્થિતિ રહેશે.
પાણીની સમસ્યા નહિ થાય તેવા તંત્રના દાવા ખોટા પડ્યા
મચ્છુ ડેમ ખાલી કરતી વખતે તંત્રને ખ્યાલ નહોતો કે માથે ચોમાસુ હોય ત્યારે ડેમ ખાલી ન કરાઇ અને છતાંય દરવાજા રિપેરીગ કરવા માટે ડેમ ખાલી કરવો જરૂરી હોય તો આ ડેમનું પાણી બીજે ક્યાંક સુરક્ષિત જગ્યાએ ઠાંલવવું જોઈતું હતું. પણ હવે પાણી બધે પહોંચતું ન હોય એક પછી એક વિસ્તારમાં પાણીની સમસ્યા ઉદભવતા તંત્રએ ડેમ ખાલી કરતી વખતે પાણીની ક્યાંય કટોકટી નહિ થાય એવા દાવા પોકળ સાબિત થયા છે.