વાંકાનેરના તાલુકાના કેરાળા ગામે ખેતી હરિભરી અને ગામના ઠેરઠેર વૃક્ષોથી આ ગામ લીલીછમ લીલોતરીથી હરિયાળું છે. કારણ કે આ ગામમાં સિંચાઈની યોગ્ય સુવિધા હોવાથી ખેડૂતો દરેક સીઝનમાં પાક લઈ શકે છે. તેથી સિંચાઈની આવી કૃપા સામે પીવાના પાણીના સાંસા છે. પાણી ગામમાં વર્ષોથી કાયમ આવે છે. પણ પૂરતા ફોર્સથી આવતું નથી. એટલે અપૂરતા પાણીથી બધા ગામલોકોને પાણી પૂરું પડતું નથી. જો કે પાણીના સંગ્રહ માટે પાણીની ટાંકી નથી. જો પાણીની ટાંકી હોય તો પાણીનો સંગ્રહ થઈ શકે અને બધા ગ્રામજનોને પાણી પૂરૂં પાડી શકાય એવું સરપંચે જણાવ્યું છે.
વાંકાનેરના કેરાળા ગામના નરગીસબેન આરીફભાઈ બાદીના જણાવ્યા મુજબ તેમનું ગામ રાજાશાહી વખતનું અને 2700થી વધુ ગામની વસ્તી ખેતી ઉપર નભે છે. ખેતીમાં સિંચાઇની યોગ્ય સુવિધા હોય એટલે ખેડૂતો યોગ્ય રીતે પાક લઈ શકે છે. ગામમાં પેટા આરોગ્ય કેન્દ્ર, 1થી 8 ધોરણ સુધીની સ્કૂલ, ગામના રસ્તા, ભૂગર્ભ ગટરની યોગ્ય સુવિધા પરંતુ કચરા નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી ગ્રામ પંચાયત જ જાતે કચરાનો યોગ્ય નિકાલ કરે છે. કેરાળા ગામને જોડતા ચંદનપુર, લાલપર, રસિકગઢના રસ્તા કાચા હોવાથી પાકા કરવાની તાતી જરૂરિયાત છે. અપૂરતા પાણીનો પ્રશ્ન હલ કરવા ત્રણ બંધ રહેલા બોરને ચાલુ કરવા જરૂરી છે. આ બોરમાં જે મશીનરી તેમજ ડંકી મૂકી હોય તેને બદલવાની માંગ છે. આ બોર માટે ઉપર રજુઆત કરી છે. તેની સાથે તળાવ અને ચેકડેમના રીપેરીંગ અને ઊંડા ઉતરવાની રજુઆત કરી છે પણ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.