Saturday - May 16, 2026

મોરબીમાં 2 લાખના ખર્ચે નિર્મિત મહિલા શૌચાલય બંધ, મનપા માટે શરમજનક સ્થિતિ

મોરબીમાં 2 લાખના ખર્ચે નિર્મિત મહિલા શૌચાલય બંધ, મનપા માટે શરમજનક સ્થિતિ

નહેરુ ગેઇટ મુખ્ય બજારમાં એકમાત્ર મહિલા શોચાલય અને એ પણ બંધ હોવાથી મહિલાઓની કફોડી હાલત

મોરબી: મોરબીના  શહેરના મુખ્ય બજાર વિસ્તાર ગણાતા અને જ્યાં હજારોની અવરજવર હોય એ નહેરુ ગેટ ચોક પાસે બે લાખના ખર્ચે મહિલા શોચાલય બનાવવામાં આવ્યું હતું. પણ મનપા માટે શરમજનક બાબત એ છે કે, જયારથી આ મહિલા શૌચાલય બન્યું ત્યારથી થોડો સમય પણ વ્યવસ્થિત રીતે ચાલ્યું નથી. લાંબા સમયથી આ મહિલા શોચાલય બંધ હાલતમાં છે. શહેરન વિકાસ માટે આંબા આંબલી દેખાડતા મનપાના અધિકારીઓને બંધ હાલતમાં રહેલા શોચાલયથી મહિલાઓની વેદના કેમ સ્પર્શતી નથી ? ઘણા સમયથી મહિલા શોચાલય બંધ હોવાથી હાલ તો લાખોનો કરેલો ખર્ચો એળે ગયો છે. આ એકમાત્ર શોચાલય બંધ હોવાથી મહિલાઓની કફોડી હાલત થઈ ગઈ છે.

સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ગિરીશભાઈ કોટેચા, રાણેવાડીયા દેવેશ મેરુભાઈ સહિતના આગેવાનોએ રજૂઆત કરી છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તાજેતરમાં (2022-23)માં બન્યા ત્યારે જ મોરબીના નાગરિકોની રજૂઆતને ધ્યાનમાં લઈને તત્કાલ આ શૌચાલય બનાવવાનો આદેશ ગાંધીનગરથી મોરબી નગરપાલિકાને આપવામાં આવ્યો હતો. જોકે, આદેશ છતાં આશરે 2 લાખના ખર્ચે બનેલું શૌચાલય આજદિન સુધી વ્યવસ્થિત રીતે ચાલુ થયું નથી. સામાજિક કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે, મોરબી મહાનગરપાલિકાના કર્મચારીઓ, કમિશનર આ ગંભીર બાબતને ધ્યાને લેતા નથી, જેના કારણે શૌચાલય બંધ છે. મુખ્ય બજારમાં ખરીદી માટે આવતી મોટી સંખ્યામાં મહિલાઓ માટે શુદ્ધ અને સુરક્ષિત શૌચાલયની તાતી જરૂરિયાત છે. આટલી સામાન્ય બાબત માટે પણ જો ગાંધીનગર સુધી ફરીથી ફરિયાદ કરવી પડે તો તે બાબત મનપા માટે શરમજનક છે. કમિશનરે સ્થળ પર જઈને તપાસ કરવી જોઈએ અને નિયમિત સફાઈ, પાણી, પ્રકાશ જેવી મૂળભૂત સુવિધાઓ સુનિશ્ચિત કરવી જોઈએ. ઉપરાંત, શૌચાલયની જાળવણી માટે નિયત કર્મચારીની ફરજ નિયમિત રાખવામાં આવે. આ બાબતમાં તાત્કાલિક કાર્યવાહી ન થતા કલેક્ટરને પણ ફરિયાદ કરવાની અને ગાંધીનગર સુધી ફરીથી રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મહિલાઓની સુવિધા માટે બનાવાયેલું શૌચાલય બંધ રહેવું એ નાગરિકોની મૂળભૂત જરૂરિયાતો પ્રત્યેની બેદરકારી સમાન ગણવામાં આવ્યું છે.