Friday - Jun 26, 2026

જેતપરમાં ખેડુતોને ટૂંક સમયમાં સરકાર ન્યાય ન આપે મહિલાઓની ગાંધીનગર સુધી સ્કૂટર રેલી

જેતપરમાં ખેડુતોને ટૂંક સમયમાં સરકાર ન્યાય ન આપે મહિલાઓની ગાંધીનગર સુધી સ્કૂટર રેલી

નવેક દિવસથી આમરણાંત ઉપવાસ અદોલન છતાં સરકાર કે વીજ કંપની નમતું ન જોખતા અંતે મહિલાઓ સરકારને નારી શક્તિની તાકાત દેખાડવા મેદાને પડી

મોરબી : મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ આંદોલનના નવ દિવસ થઈ જવા છતાં સરકાર કે વીજ કંપની ખેડૂતોને ન્યાય આપવા કોઈ જાતની તૈયારી ન દર્શાવતા અંતે મહિલાઓ ખેડૂતોને ન્યાય અપાવવા મેદાને પડી છે. જેમાં સરકાર ટૂંક સમયમાં ખેડૂતોની તમામ વાજબી માંગ પુરી કરી યોગ્ય ન્યાય ન આપે તો મોરબોની મહિલાઓ મોટી સંખ્યામાં સ્કૂટર સાથે ગાંધીનગર ભણી કૂચ કરશે. મહિલાઓ મોરબીથી સ્કૂટર રેલી કાઢી ગાંધીનગર પહોંચો નારી શક્તિનો પરિચય કરાવશે.

જેતપર ગામે વીજ લાઈન નાખવાના વિરોધમાં ખેડૂતોના ચાલી રહેલા ઉપવાસ આંદોલનના સમર્થનમાં આગળ આવી મહિલા અગ્રણી રેખાબેન એરવાડિયાએ એવો લલકાર કરી સરકાર સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, અગાઉ એસપી, કલેક્ટર, એસડીએમ અને ડીવાયએસપી સહિતના અધિકારીઓ વારંવાર ઉપવાસ છાવણીની મુલાકાત લઈ રહ્યા છે. સરકાર તરફથી માત્ર મૌખિક આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. ખેડૂતોએ પોતાના તમામ પ્રશ્નો લેખિતમાં રજૂ કરી દીધા હોવા છતાં બેરી સરકારના કાને હજી સુધી અવાજ પહોંચ્યો નથી.
 

જેતપરમાં ખેડુતોને ટૂંક સમયમાં સરકાર ન્યાય ન આપે મહિલાઓની ગાંધીનગર સુધી સ્કૂટર રેલી

ખેડૂતો વતી સરકાર સમક્ષ 3 મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી છે. જેમાં પહેલી ગુજરાતની અંદર જેટલી પણ ઇલેક્ટ્રિસિટી લાઈનોનું કામ ચાલુ છે, તેને લઈને સરકાર નવો પરિપત્ર જાહેર કરે. તમામ લાઈનો પર કામ તાત્કાલિક બંધ કરવામાં આવે, સાધનો બહાર કાઢવામાં આવે અને વીજપોલનો જે સામાન વેરવિખેર પડ્યો છે તે કંપનીઓ પાછો ખેંચી લે. બીજી માંગણી કે સરકાર ખેડૂતોને જે પણ આપવા માંગતી હોય, તેનું એક કાચું ડ્રાફ્ટિંગ કરીને ખેડૂતોને સોંપવામાં આવે. ત્રીજી માંગણી એ છે કે મુખ્યમંત્રી પોતાના સત્તાવાર લેટરપેડ ઉપર લેખિતમાં પત્ર લખીને ઉપવાસ છાવણીને વાટાઘાટો માટે આમંત્રણ આપે.

મહિલા અગ્રણી રેખાબેન એરવાડિયાએ અલ્ટીમેટમ આપતા સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો આગામી 48 કલાકની અંદર ખેડૂતોની આ 3 માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો 48 કલાક પછી મોરબી જિલ્લાનો મહિલા મોરચો મોટી સંખ્યામાં સ્કૂટર સાથે ગાંધીનગર જવા રવાના થશે. જો સરકાર પાસે સમજણ ન હોય તો ખેડૂતોની દીકરીઓ, બહેનો અને માતાઓ સરકારને તેમની જ ભાષામાં સમજાવવા માટે સક્ષમ છે.