Sunday - Jul 12, 2026

મોરબીના સામાકાંઠાના વિસ્તારોમાં પાણીની અનિયમિતતાથી મહિલાઓ ભારે પરેશાન

મોરબીના સામાકાંઠાના વિસ્તારોમાં પાણીની અનિયમિતતાથી મહિલાઓ ભારે પરેશાન

મોરબી : મોરબી શહેરમાં આવેલા સામાકાંઠા વિસ્તારોમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાના પાણીનો પ્રશ્ન વિકટ બનવાથી મહિલાઓને એક બેડા પાણી માટે કારમો સંઘર્ષ કરવો પડે છે. સામાકાંઠા વિસ્તારોમાં પાણી અનિયમિત આવતું હોવાથી લોકોને ભારે હાલાકી પડે છે. આથી આ વિસ્તારોમાં પાણીની અનિયમિતતા દૂર કરવા પાણી પુરવઠા વિભાગને રજુઆત કરવામાં આવી છે.

મોરબી શહેરના સામાકાંઠે આવેલા માળીયા વનાળિયા, શક્તિ સોસાયટી, રામદેવનગર, ઉમિયાનગર, સુભાષનગર સહિતના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પાણી અનિયમિત આવતું હોવાની સમસ્યા સર્જાય  છે. જેમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલા નજરબાગ સ્ટેશનની પાછળના ભાગે પાણીના સંપમાંથી ઉપરોક્ત વિસ્તારોમાં પાણી પહોંચાડવા આવે છે. પાણી આવતું ન હોવાથી મહિલાઓને પાણી મેળવવા માટે દર દર ભટકવું પડે છે. આ વિસ્તારો શ્રમજીવી હોવાથી દરરોજ મોટાભાગના લોકો આખો દિવસ મજૂરી કામ કરીને ઘરે પરત આવે ત્યારે પાણીની મોકાણ તેમની રાહ જોઇને ઉભી હોવાથી લોકોને પાણી મેળવવા ભારે મુશ્કેલી પડતી હોવાથી મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ મોરબી પાણી પુરવઠા વિભાગ, કાર્યપાલક ઈજનેર સમક્ષ લેખિતમાં રજુઆત કરી અનેક જગ્યાએ ગેરકાયદે કનેકશનો આપવાના કારણે આ રહેણાંક વિસ્તારો સુધી યોગ્ય માત્રામાં પાણી પહોંચતું ન હોવાની ફરિયાદ કરી આ સંપ મારફતે માળીયા વનાળિયા, શક્તિ સોસાયટી, રામદેવનગર, ઉમિયાનગર, સુભાષનગર સહિતના અનેક વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં પાણી આપવાની માંગ કરી છે.