Thursday - Sep 17, 2026

મીઠા વિભાગની 18 ફિલ્ડ કચેરીઓ બંધ થતાં માળીયા સહિત ગુજરાતના મીઠા ઉદ્યોગને મુશ્કેલી

મીઠા વિભાગની 18 ફિલ્ડ કચેરીઓ બંધ થતાં માળીયા સહિત ગુજરાતના મીઠા ઉદ્યોગને મુશ્કેલી

કચેરીઓ બંધ થતાં અગરીયાઓ સાથે સરકારી સંકલન, માર્ગદર્શન અને કલ્યાણકારી કામગીરી ખોરવાઈ,  નોડલ ઓફિસ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોલ્ટ ટેકનોલોજી સ્થાપવાની માંગ

મોરબી : માળીયાના રણકાંઠાથી માંડીને ગુજરાતના વિવિધ દરિયાકાંઠા વિસ્તારોમાં મોટા પાયે વિકસેલા મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો અને અગરીયાઓ માટે મીઠા વિભાગની ફિલ્ડ કચેરીઓ મહત્વની ભૂમિકા ભજવતી આવી છે. આવી કચેરીઓ બંધ થતાં હવે સરકારી તંત્ર સાથે સીધું સંકલન સાધવું, મીઠાના ઉત્પાદનને લગતી ટેકનિકલ તથા વહીવટી સમસ્યાઓનું નિરાકરણ મેળવવું અને અગરીયાઓ સુધી જરૂરી માર્ગદર્શન-કલ્યાણકારી કામગીરી પહોંચાડવી મુશ્કેલ બની રહી હોવાની રજૂઆત કરવામાં આવી છે. ખાસ કરીને નાના અને મધ્યમ કક્ષાના અગરીયાઓ માટે કચેરીઓ દૂર થવાથી સમસ્યાઓ લઈને અન્ય સ્થળે જવાની ફરજ પડશે, જ્યારે મીઠા ઉદ્યોગના વિકાસ માટે જરૂરી સંશોધન, આધુનિક ટેકનોલોજી અને ટેકનિકલ નિષ્ણાતોની અછત પણ યથાવત રહેવાની સ્થિતિ છે. આ સમગ્ર મુદ્દે મરીન સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન-મોરબી દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ ગંભીર રજૂઆત કરવામાં આવી છે.

મરીન સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન-મોરબીના પ્રમુખ ડી. યુ. જાડેજા દ્વારા કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાઠવાયેલા પત્રમાં જણાવાયું છે કે બંધારણની 7મી અનુસૂચિ મુજબ મીઠું કેન્દ્ર સરકારના વિષય હેઠળ આવે છે. ભારત વિશ્વમાં ત્રીજા ક્રમનો સૌથી મોટો મીઠું ઉત્પાદક દેશ છે. વર્ષ 2025-26 દરમિયાન દેશમાં કુલ 43 મિલિયન મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન થયું હતું, જેમાં ગુજરાતનો હિસ્સો 39.50 મિલિયન મેટ્રિક ટનનો રહ્યો હતો. ગુજરાતમાંથી આ સમયગાળા દરમિયાન 20.50 મિલિયન મેટ્રિક ટન મીઠાની નિકાસ કરવામાં આવી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

ગુજરાતની 18 ફિલ્ડ કચેરીઓ બંધ થતાં પ્રશ્નો વધ્યા

રજૂઆતમાં જણાવ્યા મુજબ ગુજરાતમાં સોલ્ટ કમિશનર સંગઠન હેઠળ કાર્યરત 18 ફિલ્ડ કચેરીઓ બંધ કરી દેવામાં આવી છે. તેમાં 3 સર્કલ ઓફિસ, 5 સોલ્ટ ટેસ્ટ લેબોરેટરી અને 10 ફેક્ટરી ઓફિસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અમદાવાદમાં કાર્યરત પ્રાદેશિક કચેરીને પણ મુંબઈ ખાતે મર્જ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. ગાંધીધામ ચેમ્બરમાં કાર્યરત કચેરી પણ અંદાજે બે મહિના અગાઉ બંધ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

અગરીયાઓની કલ્યાણકારી કામગીરી પર પણ અસર

એસોસિએશનના જણાવ્યા પ્રમાણે અગાઉ સોલ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા મીઠું પકવતા અગરીયાઓ માટે પીવાના પાણીની યોજનાઓ, રેસ્ટ શેડ, તબીબી કેમ્પો અને દવાઓ સહિતની વિવિધ કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી. ફિલ્ડ કચેરીઓ બંધ થવાથી આવી કામગીરી પર પણ અસર પડી છે. પરિણામે ખાસ કરીને નાના અને મધ્યમ કક્ષાના અગરીયાઓ માટે મુશ્કેલીઓ વધી રહી હોવાનો દાવો રજૂઆતમાં કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં નોડલ ઓફિસ શરૂ રાખવાની માંગ

ગુજરાત દેશનું સૌથી મોટું મીઠું ઉત્પાદક રાજ્ય હોવાથી ગાંધીનગર, અમદાવાદ અથવા ગાંધીધામ ખાતે સોલ્ટ વિભાગની મુખ્ય અથવા નોડલ ઓફિસ કાર્યરત રાખવાની માંગ કરવામાં આવી છે. આવી કચેરીના માધ્યમથી મીઠા ઉદ્યોગકારો અને અગરીયાઓ કેન્દ્ર સરકાર સાથે સીધું સંકલન સાધી શકે અને ઉદ્યોગને લગતા પ્રશ્નો માટે માર્ગદર્શન તથા વહીવટી સહાય મેળવી શકે તેવી રજૂઆત કરાઈ છે.

મીઠા ટેકનોલોજી માટે રાષ્ટ્રીય સંસ્થા સ્થાપવા સૂચન

રજૂઆતમાં ભારતીય મીઠા ઉદ્યોગમાં ટેકનિકલ નિષ્ણાતોની અછતનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. વૈશ્વિક સ્તરે મીઠાની ગુણવત્તા અને ઉત્પાદનક્ષમતામાં સ્પર્ધા કરવા માટે દેશમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોલ્ટ ટેકનોલોજી અથવા સોલ્ટ સાયન્સ કોલેજ સ્થાપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આવી સંસ્થા મારફતે મીઠાના ઉત્પાદન, ગુણવત્તા, પ્રક્રિયા અને આધુનિક પદ્ધતિઓ અંગે સંશોધન તથા તાલીમ મળી શકે તેવી રજૂઆત છે.

બિટર્નમાંથી મૂલ્યવર્ધિત ઉદ્યોગો વિકસાવવાની માંગ

મીઠાના ઉત્પાદન દરમિયાન નીકળતા બિટર્નને માત્ર આડપેદાશ તરીકે ન ગણતા તેનો ઔદ્યોગિક ઉપયોગ વધારવાની પણ માંગ કરવામાં આવી છે. બિટર્નમાંથી વિવિધ મૂલ્યવર્ધિત રસાયણોનું ઉત્પાદન કરતા ઉદ્યોગો વિકસાવવામાં આવે તો રોજગારીની તકો વધવાની સાથે વિદેશી હૂંડિયામણની આવકમાં પણ વધારો થઈ શકે તેવી રજૂઆત કરવામાં આવી છે.

માત્ર ઉત્પાદન નહીં, ગુણવત્તામાં પણ વૈશ્વિક સ્તરે આગળ વધવાની રજૂઆત

એસોસિએશને ભારતને માત્ર મીઠાના ઉત્પાદનના જથ્થામાં આગળ રહેવા કરતાં ગુણવત્તાના ક્ષેત્રે પણ વૈશ્વિક સ્તરે મજબૂત બનાવવા માટે સંશોધન અને આધુનિક ટેકનોલોજીને પ્રોત્સાહન આપવાની માંગ કરી છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોની સમકક્ષ ગુણવત્તા હાંસલ કરવા માટે મીઠા ઉદ્યોગમાં આધુનિક તકનીક, સંશોધન અને ટેકનિકલ કુશળતાના વિકાસ પર ધ્યાન આપવાની રજૂઆત કરવામાં આવી છે.

માળીયા સહિત ગુજરાતના રણકાંઠા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રોજગારી અને આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા મીઠા ઉદ્યોગના પ્રશ્નો અંગે કેન્દ્ર સરકાર દ્વારા કચેરીઓ, સંશોધન, ટેકનિકલ માર્ગદર્શન અને અગરીયા કલ્યાણની વ્યવસ્થાને મજબૂત બનાવવામાં આવે તેવી માંગ સાથે એસોસિએશને આ રજૂઆત કરી છે.