સંતાનોથી તરછોડાયેલા વૃદ્ધાશ્રમના વડીલો પણ ગણેશ મહોત્સવમાં તમામ દુઃખ-દર્દ ભૂલી ગોરીનંદનની ભક્તિમાં એકાકાર થયા
મોરબી : મોરબીના નવા હાઉસિંગ બોર્ડ ખાતે ચાલી રહેલા ભવ્ય ગણેશ મહોત્સવમાં વૃદ્ધાશ્રમના વડીલોને ખાસ આમંત્રણ આપી ભગવાન ગણેશજીના દર્શન કરાવવામાં આવ્યા હતા. આ ગણેશ મહોત્સવમાં પહોંચેલા વૃદ્ધાશ્રમના વડીલોની હાજરીમાં મહાઆરતી દરમિયાન ભક્તિ અને આલોકીક વાતાવરણ સર્જાયું હતું. દુંદાળા દેવની મહાઆરતીમાં વૃદ્ધાશ્રમના વડીલો સહિત મોટી સંખ્યામાં રહીશોએ શ્રદ્ધાભેર લાભ લઇ ગણેશજીની ભક્તિમાં તલ્લીન થઈ ગયા હતા.
શહેરના હાર્દ સમાન શનાળા રોડ માર્કેટ યાર્ડ સામે આવેલ નવા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં પ્રતિ વર્ષની જેમ સમગ્ર રહીશો દ્વારા ભક્તિભાવથી મુખ્ય ચોકમાં વિધ્નહર્તાનું સ્થાપન કરી સવાર સાંજ મહાઆરતી તેમજ વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યકમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગતરાત્રે આ ગણેશ મહોત્સવમાં મહાઆરતી સહિતના ગણપતિ દાદાની ભક્તિનો લાભ આપવા રહીશો દ્વારા વૃદ્ધાશ્રમના વડીલ માવતરોને ભાવભીનું નિમંત્રણ આપવામાં આવ્યું હતું. આથી આ હાઉસિંગ બોર્ડના ગણેશ મહોત્સવમાં પહોંચેલા વૃદ્ધાશ્રમના વડીલો પણ જીવનના દુઃખ અને એકલતાને થોડા સમય માટે ભૂલી જઈ ગોરીનંદન ગણેશજીની ભક્તિમાં એકાકાર બન્યા હતા. મહાઆરતી દરમિયાન નવા હાઉસિંગ બોર્ડના રહીશોએ પણ પોતાના માવતર સમાન આ વડીલોની ભાવવંદના કરી હતી. જ્યારે ભગવાન ગણેશજીએ માતાપિતા શિવ પાર્વતીની પ્રદીક્ષણા કરી અંતઃકરણપૂર્વક પૂજા કરી હોવાથી ગણેશજી દરેક શુભ પ્રસંગોમાં પ્રથમ પૂજાતા હોય એની સામે આજના સમયમાં ઘણા સંતાનો પ્રેક્ટિકલ કે મોર્ડન થવાના નામે તેમના ઈશ્વર સમાન માવતરની અવહેલના કરી વૃદ્ધાશ્રમમાં આશરો લેવા મજબુર કરતા હોય ત્યારે આ સંતાનો પણ તેમના ઈશ્વર સમાન માવતરને જીવનના અંતિમ પડાવમાં ગણેશજીની જેમ જ પૂજા કરે જીવની જેમ જતન કરે તેવી વિધ્નહર્તા સમક્ષ સ્થાનિકોએ આરાધના કરી હતી.