મોરબી : મોરબીના ભડીયાદ રોડ પર રેલવે ફાટક પાસે આવેલા મિલેનિયમ સિરામિક કારખાનામાં ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સે કારખાનાની એકાઉન્ટ ઓફિસની બારીનો કાચ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ફર્નિચરના કબાટના ડ્રોઅરનું તાળું તોડી અંદર રાખેલા રોકડા રૂ.5.80 લાખની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે સિરામિક ઉદ્યોગકારની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મોરબીના રવાપર રોડ પર આવેલા એવન્યુ પાર્ક રિદ્ધિ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 204માં રહેતા નરભેરામભાઈ ઉર્ફે રામભાઈ પરસોતમભાઈ નારણીયા (ઉ.વ. 52)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા. 15 ઓક્ટોબરની રાત્રે કોઈ અજાણ્યો શખ્સ મિલેનિયમ સિરામિક કારખાનામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યો હતો. ત્યારબાદ એકાઉન્ટ ઓફિસની બારીનો કાચ તોડી અંદર જઈ ટેબલની પાછળ આવેલા ફર્નિચરના કબાટના ડ્રોઅરનું તાળું તોડી તેમાંથી રૂ.5.80 લાખની રોકડ ચોરી કરી હતી. બનાવ અંગેની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી ચોરી કરનાર શખ્સને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.