માતા-પિતા, બહેન અને સાથે કામ કરતી મહિલા સહિત પાંચને ઈજા, અકસ્માત બાદ કારચાલક ફરાર
મોરબી : ટંકારાના સરાયા ગામથી ટંકારા તરફ બાઈક પર જઈ રહેલા પરિવારને હીરાપર ગામના પાટિયા નજીક પાછળથી આવેલી અજાણી કારે હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. બાઈક પર સવાર યુવાનના દીકરા કાર્તિકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું મોત નીપજ્યું હતું, જ્યારે યુવાન સહિત પાંચ લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારાના જબલપુર પાટિયા સામે આવેલી ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના ખાલી પ્લોટમાં ઝૂંપડામાં રહેતા સંજુ ઉર્ફે વિજય વેસ્તાભાઈ પચાયા (ઉ.વ. 30)એ ટંકારા તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા કારચાલક સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેઓ બાઈક નંબર જીજે-33-ઈ-7973 પર પત્ની સુમિત્રાબેન, દીકરા કાર્તિક, દીકરી રવિના તેમજ તેમની સાથે કામ કરતી સેજલબેન અને તેમના દીકરા આર્યનને બેસાડીને જઈ રહ્યા હતા, ત્યારે હીરાપર ગામના પાટિયા નજીક કારે બાઈકને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં કાર્તિકનું મોત થયું હતું, જ્યારે સંજુભાઈ, તેમનાં પત્ની, દીકરી, સેજલબેન અને આર્યનને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. મૃતક બાળકના પિતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી નાસી ગયેલા કારચાલકને શોધવા તપાસ હાથ ધરી છે.