મોરબીમાં 22મીએ યોજાનારી ખેડૂત આક્રોશ મહાસભામાં મોટી સંખ્યામાં જોડાવા કોંગ્રેસના આગેવાનોની હાકલ
મોરબી : મોરબી જિલ્લામાં નેશનલ હાઈવે માટે જમીન આપનારા ખેડૂતોને યોગ્ય વળતર ન મળતું હોવાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. આ પ્રશ્નને લઈને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી તા. 22ના રોજ યોજાનારી ખેડૂત આક્રોશ મહાસભાને સફળ બનાવવા ગામેગામ સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે પાવળીયારી ખાતે 22 ગામના ખેડૂત પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી, જેમાં ખેડૂતોના પ્રશ્નો અંગે ચર્ચા કરી મહાસભામાં મોટી સંખ્યામાં જોડાવા માટે હાકલ કરવામાં આવી હતી.
મોરબીના રાજપર રોડ પર આવેલા આનંદ પાર્ટી પ્લોટ ખાતે તા. 22ના રોજ સાંજે 4 વાગ્યે ખેડૂત આક્રોશ મહાસભા યોજાવાની છે. આ સભામાં ખેડૂતોની વધુમાં વધુ ભાગીદારી સુનિશ્ચિત કરવા કોંગ્રેસના માજી ધારાસભ્યો સહિતના આગેવાનો વિવિધ ગામોમાં ખેડૂતોનો સંપર્ક કરી રહ્યા છે. પાવળીયારી ખાતે યોજાયેલી બેઠકમાં 22 ગામના ખેડૂત પ્રતિનિધિઓ જોડાયા હતા. આ ગામોના અનેક ખેડૂતોની જમીનમાંથી નેશનલ હાઈવે પસાર થઈ રહ્યો છે. ખેડૂતોને હાઈવેના નિર્માણ સામે વાંધો નહીં, પરંતુ જમીનના બદલામાં યોગ્ય વળતર મળવું જોઈએ તેવી તેમની માગણી છે. સરકાર તરફથી પૂરતું વળતર મળતું ન હોવાના મુદ્દે ખેડૂતો પોતાની લડત ચલાવી રહ્યા છે. આ પ્રશ્નને વ્યાપક સમર્થન મળે અને ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચે તે માટે કોંગ્રેસના આગેવાનોએ ખેડૂતોને મહાસભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા હાકલ કરી હતી.