વોટ્સએપ ગ્રુપમાં શેરબજારની ટીપ્સ આપી વિશ્વાસ કેળવ્યો, એપ્લિકેશન મારફતે 21 વખત નાણાં પડાવ્યા બાદ ગ્રુપ અને એપ બંધ કરી દીધાં
મોરબી : શેરબજારમાં રોકાણ કરીને ટૂંકા સમયમાં મોટો નફો કમાવવાની લાલચ આપીને લોકો સાથે છેતરપિંડીની ઘટનાઓ સતત સામે આવી રહી છે, ત્યારે ટંકારાના વેપારી સાથે રૂ.84.80 લાખની ઓનલાઈન ઠગાઈ થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. અજાણ્યા શખ્સોએ વોટ્સએપ ગ્રુપમાં શેરબજારની ટીપ્સ આપીને વેપારીનો વિશ્વાસ કેળવ્યો હતો અને એક એપ્લિકેશન મારફતે અલગ-અલગ સમયે કુલ 21 ટ્રાન્ઝેક્શન કરાવી મોટી રકમ મેળવી લીધી હતી. જોકે, ત્યારબાદ રોકાણ કરેલી મૂડી કે નફો પરત આપવાને બદલે વોટ્સએપ ગ્રુપ અને એપ્લિકેશન બંધ કરી દેવામાં આવતાં વેપારીને છેતરાયાનો અહેસાસ થયો હતો. આ મામલે મોરબી સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા અને હડમતીયા ખાતે જંતુનાશક દવા બનાવવાનું કારખાનું ધરાવતા વિજ્ઞેશભાઈ હસમુખભાઈ પરમારે વોટ્સએપ ગ્રુપના એડમિન તથા અન્ય એક વોટ્સએપ નંબરના ધારક સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તા. 23 ફેબ્રુઆરી, 2025ના રોજ એક અજાણ્યા વોટ્સએપ નંબર મારફતે તેમને ‘VIP-2 Investment Alliance Training Group’માં જોડવામાં આવ્યા હતા. આ ગ્રુપમાં અલગ-અલગ કંપનીઓના શેરબજાર અંગેની ટીપ્સ આપવામાં આવતી હતી. ગ્રુપના સભ્યોની વાતચીત અને સંદેશાઓ જોઈને ફરિયાદીને ગ્રુપ વિશ્વસનીય લાગ્યું હતું. ત્યારબાદ ગ્રુપમાં જણાવવામાં આવેલી ‘GALAD ARAB’ નામની એપ્લિકેશન મોબાઈલમાં ડાઉનલોડ કરી હતી અને તેમાં દર્શાવેલા બંધન બેંકના ખાતામાં નાણાં જમા કરાવ્યાં હતાં. શરૂઆતમાં ટૂંકા ગાળામાં નફો મળતો હોવાનું જણાતાં વધુ રોકાણ કરવા માટે તેમને સંદેશાઓ મોકલવામાં આવ્યા હતા. આ રીતે અલગ-અલગ તારીખે કુલ 21 ટ્રાન્ઝેક્શન મારફતે રૂ.84.80 લાખનું રોકાણ કરાવાયું હતું. જોકે, બાદમાં રોકાણની રકમ કે નફો પરત ન મળતાં અને વોટ્સએપ ગ્રુપ તથા એપ્લિકેશન બંધ થઈ જતાં ઠગાઈ થયાની જાણ થઈ હતી. આથી વેપારીએ 1930 મારફતે ફરિયાદ આપ્યા બાદ મોરબી સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી સંડોવાયેલા શખ્સોને શોધવા તપાસ શરૂ કરી છે.