Thursday - Apr 23, 2026

મોરબીમાં ઘરની લાઈટ બંધ કેમ કરી તેવું પુત્રએ કહેતા પિતાએ ધારીયું માર્યું

મોરબીમાં ઘરની લાઈટ બંધ કેમ કરી તેવું પુત્રએ કહેતા પિતાએ ધારીયું માર્યું

મોરબી : મોરબીના વનાળિયા ગામે સંયુક્ત પરિવારથી જુદા રહેતા પુત્રએ ઘરની લાઈટ કેમ બંધ કરી તેવું તેના પિતાને પૂછ્યું હતું. આથી ઉશ્કેરાયેલા પિતાએ પુત્રને ગાળો આપી લાકડી, ધોકા વડે માર માર્યા બાદ ધારીયું ઝીકી દેતા પુત્રને ઇજા પહોંચી હતી. આ બનાવ સંદર્ભે પુત્રવધુએ સસરા સહિતના બે શખ્સો સામે મારામારીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મોરબીના વનાળિયા ગામે રહેતા ભાનુબેન રાજેશભાઇ અજાણાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં તેમના સસરા ધારાભાઈ ઘેલાભાઈ અજાણા રહે.વનાળિયા અને મનીષાબેન વિરાજભાઈ ખાંભલા રહે.શનાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના સસરા ધારાભાઈએ તેમના ઘરની લાઈટ બંધ કરી દેતા ભાનુબેનના પતિ એટલે ધારાભાઈના પુત્રએ ઘરની લાઈટ શા માટે બંધ કરી દીધી તેમ પૂછતાં ઉશ્કેરાઈ ગયેલા ધારાભાઈએ તેમના પુત્રને લાકડી અને ધોકાથી માર મારી બાદમાં ફળિયામાં પડેલા ધારીયા વડે પુત્રને માથાના ભાગે ઘા મારી ઇજાઓ પહોંચાડી હતી.સાથે જ આરોપી મનીષાબેને પણ જેમ ફાવે તેમ ગાળો આપતા બન્ને વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.