મોરબી : મોરબીના શનાળા ગામે રહેતા સુખદેવભાઈ આણંદજીભાઈ કાંજિયાએ ગત તા.19 ડિસેમ્બરના રોજ મોરબીથી હરિદ્વારને પગપાળા યાત્રાએ ગયા હતા. તેઓ 1400 કિમીની કોઈ જાતના કષ્ટો વગર સફળ રીતે મોરબીથી હરિદ્વારની પગપાળા યાત્રા પૂર્ણ કરી પરત શનાળા ગામે પરત આવ્યા હતા. આથી તેમના માનમાં ગામલોકોએ શનાળાના શક્તિ માતાજીના મંદિરે સ્વાગતનો ભવ્ય કાર્યક્રમ રાખ્યો હતો. શક્તિ માતાના મંદિરે યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં પદયાત્રી સુખદેવભાઈનું શક્તિ માતાના મંદિરે ધજા ચડાવીને ભવ્ય સ્વાગત કરી વાજતે ગાજતે તેમનું સામૈયું કરવામાં આવ્યું હતું.તેમના ઘરે મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ગામલોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.સુખદેવભાઈએ જણાવ્યું હતું કે, મોરબીથી હરિદ્વારની 38 દિવસની 1400 કિમીની પદયાત્રા કોઈપણ જાતની તકલીફ વગર પૂર્ણ કરી હતી. વચ્ચે જ્યાં જ્યાં મંદિર આવે ત્યાં દર્શન કરી હોલ્ટ કરતા તેમજ તેમની સાથે ત્રણ લોકો પણ જોડાયા હતા. આ ત્રણમાંથી એક જમવાની સહિતની વ્યવસ્થા કરતા અને બીજા એક ભાઈ સાથે ચાલતા અને ત્રીજા ભાઈ ગાડી ચલાવતા એ રીતે આ પદયાત્રા પૂર્ણ કરી હતી.