Thursday - May 07, 2026

વાંકાનેરના કોટડા નાયાણી ગામે વર્ષ 2018માં પત્નીને મોતને ઘાટ ઉતારી હતી

વાંકાનેરના કોટડા નાયાણી ગામે વર્ષ 2018માં પત્નીને મોતને ઘાટ ઉતારી હતી

વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે વર્ષ 2018માં પત્ની સાથે ગૃહ ક્લેશમાં ઝઘડો થતા ઉશ્કેરાયેલા પતિએ પત્નીની હત્યા કરી નાખી હતી. સામાન્ય ઝઘડો થવા બાબતે પત્નીને લાકડી વડે ઢોર માર માર્યા બાદ ગળેટુંપો દઈને હત્યા  કર્યાનો કેસ આજે  મોરબીની સેસન્સ કોર્ટેમાં ચાલી જતા કોર્ટે આરોપી વિરુદ્ધના સજ્જડ પુરાવાને ધ્યાને લઈને આરોપી પતિને દોષિત ઠેરવી આજીવન કેદની સજા સાથે દસ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે રહેતા આરોપી ભીખાભાઇ બચુભાઈ લઢેર નામના શખ્સને ગત તા.3/11/2018માં તેમની પત્ની જાનુબેન ઉર્ફે ભારતીબેન ઉ.50 સાથે ઝઘડો થતા ઉશ્કેરાયેલા પતિએ પહેલા લાકડી વડે આડેધડ માર માર્યા બાદ ગળું દબાવી હત્યા કરી નાખી હતી. આથી જે તે વખતે આ હત્યાના બનાવની કોટડા નાયાણી ગ્રામ પંચાયતના સદસ્ય વિજયસિંહ ઉર્ફે ભીખુભા જાડેજા ફરિયાદી બનીને ફરિયાદ નોંધાવી હતી. વાંકાનેર પોલીસે આ ફરિયાદના આધારે આરોપી પતિની ધરપકડ કરી જે તે વખતે આ મર્ડર કેસનું ચાર્જશીટ ફાઇલ કર્યું હતું. દરમિયાન આ ચકચારી મર્ડર  કેસ મોરબીના પ્રિન્સિપાલ સેસન્સ જજની કોર્ટમાં ચાલી જતા કોર્ટે 25 મૌખિક અને 33 દસ્તાવેજી પુરાવા તેમજ સરકારી વિજયભાઈ જાનીની ધારદાર દલીલોનો ધ્યાને લઇ આરોપી પતિ ભીખાભાઇ બચુભાઈ લઢેરને આજીવન કેદની સજા ફટકારી છે.