વાંકાનેરના લાકડધાર ગામે એકમાત્ર સિંચાઇનું સૌથી મોટું દુઃખ છે. આ ગામ ખેતી ઉપર નિર્ભર છતાં સિંચાઇની સુવિધા ન હોવાથી ખેતી ભગવાન ભરોસે રહે છે. વરસાદ જ્યારે સારો પડે ત્યારે જ ગામમાં પાણી અને પાકનું ઉજળું ચિત્ર સામે આવે છે.બાકી વરસાદ ન થાય તો દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. એટલે આ ગામની ખેતી કાયમી રીતે હરિભરી રહે તે માટે સિંચાઇની સુવિધા આપવાની ગ્રામજનોએ માંગ કરી છે.
વાંકાનેર તાલુકાના લાકડધાર ગામના સરપંચ મેરાભાઈ મનજીભાઈ અણીયારીયાએ જણાવ્યું હતું કે તેમનું ગામ રાજાશાહી વખતનું છે અને હાલ આ ગામની વસ્તી 1450 જેટલી હોય અને આ વસ્તી ખેતી ઉપર નિર્ભર હોવા છતાં ગામમાં પિયત માટે કેનાલની સુવિધા ન હોવાથી ખેતી ભગવાન ભરોસે થઈ ગઈ છે. આરોગ્ય કેન્દ્ર ગામમાં છે. તેમજ આ ગામમાં હાલ પાણીની કોઈપણ જાતની તકલીફ નથી. એટલે આ ગામને પીવાના પાણીનું મોટું સુખ છે. ગામમાં 1થી 8 ધોરણ સુધીની પ્રાથમિક સ્કૂલ, ગામની અંદરના રોડ રસ્તા અને ભૂગર્ભ ગટર 90 ટકા કમ્પલેટ અને કચરાના નિકાલ માટે વાહન ન હોવાથી જાતે જ ગ્રામ પંચાયત દ્વારા કચરાનો નિકાલ કરવામાં આવે છે. આ ગામના અંતરીયાળ માર્ગમાં વિઠ્ઠલપર ગામનો એક જ કાચો માર્ગ હોય તેને પાકો બનાવવાની માંગ છે. આ ગામથી કુવા સુઘી નો સાત મીટર પહોળો રસ્તો આરસીસી થી બનાવવાનું કામ ચાલુ છે.