નગર દરવાજા ચોક પાસે શાક માર્કેટ પાછળ શાકભાજી લેવા આવેલા મહિલાને નડ્યો અકસ્માત
મોરબી : મોરબીના હાર્દ સમાન નગર દરવાજા ચોક પાસે શાક માર્કેટની પાછળના ભાગમાં આજે વહેલી સવારે શાકભાજી લેવા આવેલા શાકભાજીના ધંધાર્થી મહિલાને ઇકો ગાડીના ચાલકે હડફેટ લીધા બાદ કાર અને રેંકડી વચ્ચે દબાઈ જતા ગંભીર ઇજા થતાં તે મહિલાનું કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. આ જીવેલણ અકસ્માત સર્જી ઈકો ગાડીનો ચાલક તેનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો. આ કરુણ અકસ્માતના બનાવને પગલે મૃતક મહિલાના પરીવારમાં અરેરાટી મચી ગઇ હતી.
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં માળિયા ફાટક ચોકડી નજીક આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા લાભુબેન કાંતિભાઈ બારૈયા (ઉ.વ.૪૫) નામના મહિલા શાકભાજી લેવા માટે આજે વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં મોરબીમાં નગર દરવાજા ચોક પાસે શાક માર્કેટની પાછળના ભાગમાં આવ્યા હતા અને ત્યાંથી તેઓ પસાર થઈ રહ્યા હતા.તે દરમિયાન ઈકો ગાડી નંબર જીજે ૩૬ એએલ ૧૦૩૬ ના ચાલકે મહિલાને હડફેટે લેતા કાર તથા લારી વચ્ચે તેઓ દબાઈ જતા લાભુબેનને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી. જેથી તેમનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અને અકસ્માતના બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી. અકસ્માતના આ બનાવમાં મૃત્યુ પામેલ મહિલા તેઓના વિસ્તારમાં શાક બકાલુ વેચીને ઘરનું ગુજરાન ચલાવતા હતા અને તે મહિલાનું મોત નીપજતા તેના ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવતાં તેમના પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે.