Monday - Jul 06, 2026

મોરબીમાં યુવતીનું બોગસ આઈડી બનાવીને ફોટો-મેસેજ અપલોડ કરી સગાઈ તોડવાનો હીન પ્રયાસ

મોરબીમાં યુવતીનું બોગસ આઈડી બનાવીને ફોટો-મેસેજ અપલોડ કરી સગાઈ તોડવાનો હીન પ્રયાસ

પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી

મોરબી : મોરબી જિલ્લાના વાંકાનેરના શખ્સને મોરબી તાલુકાની યુવતીનું ઇન્સ્ટાગ્રામમાં બોગસ આઈડી બનાવી સગાઈ તોડવાનો હીન પ્રયાસ ભારે પડ્યો છે. જેમાં ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા યુવાનની જે યુવતી સાથે સગાઈ થઈ હતી તે યુવતીના નામનું બોગસ ઇનસ્ટાગ્રામમાં આઈડી બનાવીને તેમાં ફોટો અને મેસેજ અપલોડ કરી તેમજ યુવાનના વ્હોટ્સએપમાં “તારી પત્ની દવા પીવાનું કહે છે જો તે દવા પી જાય તો પછી મને કહેતો નહીં” તેવો મેસેજ કરીને યુવાનને હેરાન પરેશાન કરાતો હોવાની ફરિયાદ નોંધાયા બાદ જ તાલુકા પોલીસે વાંકાનેરના શખ્સને ઝડપી લીધો હતો.

મોરબીમાં યુવતીનું બોગસ આઈડી બનાવીને ફોટો-મેસેજ અપલોડ કરી સગાઈ તોડવાનો હીન પ્રયાસ

ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા યુવાનની સગાઈ મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતી સાથે કરવામાં આવી હતી જો કે, આ યુવાનની સગાઈ તોડાવવા માટે જે યુવતી સાથે સગાઈ થઈ હતી. તેના નામથી જ લાલજીભાઈ રેવાભાઇ ટોટા નામના શખ્સે બોગસ ઇનસ્ટાગ્રામ આઈડી બનાવ્યું હતું અને ત્યારબાદ તે યુવતીના ફોટો અને મેસેજ તેમાં અપલોડ કર્યા હતા જે ફરિયાદી યુવાનના ધ્યાન ઉપર આવતા તેણે આ બાબતે જેની સાથે સગાઈ થઈ હતી તે યુવતી સાથે ખરાઈ કરી હતી ત્યારે તેણીએ ઇનસ્ટાગ્રામમાં કોઈ આઈડી બનાવ્યું નથી તેવું કહ્યું હતું. એટ્લે કે તે યુવતીના નામથી બોગસ આઈડી બનાવવામાં આવ્યું હતું. આટલું જ નહીં પરંતુ ફરિયાદી યુવાનના વોઇટ્સએપમાં લાલજીભાઈ ટોટા નામના વ્યક્તિએ મેસેજ મોકલ્યો હતો કે, “તારી પત્ની દવા પીવાનું કહે છે જો તે દવા પી જાય તો પછી મને કહેતો નહીં” આમ યુવાનની સગાઈ તોડાવવા અને તેને હેરાન પરેશાન કરવા માટેનો પ્રયાસ કરનારા શખ્સની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈટી એક્ટની કલમ મુજબ ગુનો નોંધીને તાલુકા પીઆઇ એસ.કે. ચારેલ અને તેમની ટીમે આરોપી લાલજીભાઈ રેવાભાઇ ટોટા (ઉ.વ.21) રહે. માટેલ તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.