Sunday - May 03, 2026

માળીયા નજીક દેશી દારૂ ભરેલી કાર સાથે બે ઝબ્બે

માળીયા નજીક દેશી દારૂ ભરેલી કાર સાથે બે ઝબ્બે

મોરબી : માળીયા મિયાણા પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવી તાલુકાના વાધરવા ગામના પાટિયા પાસેથી દેશી દારૂ ભરેલી સ્વીફ્ટ કાર સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. આરોપીઓની પૂછતાછમા ચીખલી ગામેથી દારૂ ભર્યો હોવાનું કબુલતા એક અન્ય આરોપીનું નામ ખુલ્યું હતું.

માળીયા મિયાણા પોલીસે બાતમીને આધારે વાધરવા ગામના પાટિયાથી ભીમસર ઓવરબ્રિજ જવાના રસ્તેથી જીજે - 03 - એફકે - 7529 નંબરનું સ્વીફ્ટ કાર અટકાવી તલાશી લેતા કારચાલક આરોપી વિજય પ્રભુભાઈ રુદાસિયા અને આરોપી રાહુલ હરેશભાઇ હમીરપરા રહે.બન્ને ધરમપુર ગામ, મોરબી વાળાના કબ્જામાંથી 200 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. આરોપીઓની પૂછપરછમાં દારૂનો આ જથ્થો આરોપી નવઘણ ઉર્ફે ટકી દેગામા રહે.ચીખલી, માળીયા મિયાણા વાળા પાસેથી મેળવ્યાનુ કબુલતા પોલીસે 2 લાખની કાર સહિત કુલ રૂપિયા 2.40 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી ચીખલીના નવઘણ ઉર્ફે ટકીને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી હતી.