Thursday - Aug 06, 2026

મોરબી મનપાના મહિલા કોર્પોરેટરના પતિના બંગલામાં જુગારધામ ઝડપાયા બાદ બે પોલીસ કર્મીની બદલી

મોરબી મનપાના મહિલા કોર્પોરેટરના પતિના બંગલામાં જુગારધામ ઝડપાયા બાદ બે પોલીસ કર્મીની બદલી

ટંકારા નજીક હાઈ પ્રોફાઈલ જુગારધામના મુદ્દે  થાણા અધિકારીની બદલી બાદ હવે વધુ બે પોલીસ કર્મીની પણ બદલી કરાઈ

મોરબી : તાજેતરમાં ટંકારા તાલુકાના સજનપર ગામની સીમમાં આવેલ ઓમવિલા બંગલોમાં કચ્છ રેન્જ પોલીસ દ્વારા પાડવામાં આવેલા હાઈ-પ્રોફાઈલ જુગારધામના દરોડા બાદ ટંકારા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના બે કર્મચારીઓની તાત્કાલિક અસરથી પશ્ચિમ કચ્છ, ભુજ ખાતે બદલી કરી દેવામાં આવી છે.

ટંકારા તાલુકાના ​સજનપર ગામની સીમમાં આવેલ ઓમ વિલા બંગલામાં ધમધમતા જુગારધામ પર બોર્ડર રેન્જ આઈજીની ટીમે પાડેલા દરોડા બાદ રેન્જ આઈજી દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ડી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ જસપાલસિંહ જાડેજા અને પોલીસ કોન્સ્ટેબલ કૃષ્ણરાજસિંહ ઝાલાની જિલ્લા ફેર કરીને ભુજ ખાતે મૂકી દેવાયા છે. રેન્જ આઈજીના આકરા પગલાં બાદ પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. મહત્વનું છે કે, અગાઉ પણ આ જ વિલામાં ચાલી રહેલી અસામાજિક પ્રવૃત્તિઓ અને જુગારધામના મુદ્દે થાણા અધિકારીની બદલી કરવામાં આવી હતી. આ ઉપરાંત, ભૂતકાળમાં હોટલમાં ઝડપાયેલા જુગારધામમાં તોડકાંડ મુદ્દે પીઆઈ અને જમાદારને સસ્પેન્ડ કરી જેલહવાલે કરવા સુધીના આકરા પગલાં લેવાઈ ચૂક્યા છે.મહત્વનું છે કે, જે જગ્યાએ જુગાર રમાતો હતો તે બંગલો મોરબી કોર્પોરેશનના ભાજપના મહિલા કોર્પોરેટરના પતિનો હોવાનું ખુલ્યું હતું.