વાંકાનેર : મોરબી જિલ્લાના ચોટીલા પંથકમાંથી બેફામ દારૂ ઠાલવાઈ રહ્યો છે ત્યારે ગઈકાલે વાંકાનેર તાલુકાના યજ્ઞપુરુષનગર નજીકથી પોલીસે બાતમીને આધારે દેશી દારૂ ભરેલી બોલેરો કાર સાથે બે શખ્સોને ઝડપી લઈ દેશી દારૂ મંગાવનાર તેમજ મોકલનારના નામ ખોલાવી કુલ પાંચ લાખનો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
વાંકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવી યજ્ઞપુરુષનગર નજીક આવેલ આઈઓસીના પેટ્રોલપંપ પાસે જીજે - 03 - બીડબ્લ્યુ - 3201 નંબરની બોલરો અટકાવી તલાશી લેતા આરોપી ઇમરાન ઉર્ફે ભાઈજાન રજાકભાઈ ડેલીવાળા રહે.ચોટીલા અને આરોપી સંજય ઉર્ફે બગો દુદાભાઈ મેર રહે.મોટી મોલડી તા.ચોટીલા વાળાના કબ્જામાંથી 1000 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 2 લાખ મળી આવતા 3 લાખની બોલેરો સહિત 5 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વધુમાં આરોપીઓની પૂછતાછમાં દેશી દારૂનો આ જથ્થો વિજય ઉર્ફે ભુરો વાલજીભાઈ માલકીયા રહે.રેશમિયા તા.ચોટીલા વાળાએ ભરી આપ્યો હોવાનું અને આરોપી કુલદીપ ભરતભાઇ પાડલીયા રહે.બેલા રંગપર વાળાને આપવા જઈ રહયા હોવાનું કબુલતા પોલીસે ચારેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.