Tuesday - Jul 07, 2026

અઢી -ત્રણ વર્ષના બાળકોએ ઘરેઘરે ફરી નંદીઘર માટે ફાળો ઉઘરાવ્યો

અઢી -ત્રણ વર્ષના બાળકોએ ઘરેઘરે ફરી નંદીઘર માટે ફાળો ઉઘરાવ્યો

મોરબી : મોરબીમાં ઘણા સમયથી રખડતા ઢોરનો સળગતો પ્રશ્ન છે. એનો ઉકેલ તંત્ર ખુદ લાવી શક્યું ન હોય ત્યારે કર્તવ્ય જીવદયા કેન્દ્ર નામની જીવદયા પ્રેમી સંસ્થા આ રખડતા ઢોર માટે નદીઘર બનાવવા આગળ આવી છે. એનો ફાળો એકત્ર કરવા મહારથી કલાકારોનો લોક ડાયરો પણ ગોઠવ્યો હતો. સહુ કોઈએ પોતાની ક્ષમતા મુજબ ફૂલ નહિ તો ફૂલની પાંખડી સમાન દાન આપ્યું હતું . આ બાબતથી પ્રેરણા લઈને મોરબીની પ્રિ સ્કૂલના અઢીથી ત્રણ વર્ષના બાળકો કર્તવ્ય નંદીઘરની સ્થાપના માટે ફાળો ઉઘરાવવા પોતાનાથી બનતું યોગદાન આપ્યું છે.આ  સ્કૂલના સંચાલિકા દિવ્યાબેનએ કહ્યું હતું કે,  જુદી જુદી એક્ટિવિટી મુજબ નંદીઘર બનાવવા માટે બાળકોમાં નાની વયથી દાનની મહત્તા કેળવાય તે માટે દરેક બાળકને ગલ્લા આપી ઘરેઘરેથી દાન એકત્ર કરવાની પ્રેરણા આપી હતી અને એ મુજબ દરેક બાળકોએ ઘરેઘરે ફરી દાન એકત્ર કર્યું હતું. આ બાળકોએ એકત્ર કરેલું દાનને કર્તવ્ય જીવદયા કેન્દ્રને નંદીઘર બનાવવા માટે અર્પણ કર્યું છે. જો કે બાળકોને ઉત્તરાયણમાં ખાલી પતંગ ચગાવી આંનદ લૂંટવાની સાથે દાનનું મહત્વ પણ સમજાય એ હેતુથી આ કાર્ય કર્યું હતું.જ્યારે એક સાડા ત્રણ વર્ષના શિવાજી નામના બાળકે જણાવ્યું હતું કે, તેણે ઘરેઘરે જઈને નંદીઘર માટે ફાળો ઉઘરાવ્યો હતો. તે દરેક ઘરે જઈને દાન માંગતો અને લોકો પણ આવડા બાળકની સદ પ્રવૃત્તિ જોઈને દાન આપી દેતા હતા. આ સંસ્થાના અગ્રણી રાધે પટેલે જણાવ્યું હતું કે, કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા નંદીઘરના નિર્માણની કવાયત ચાલી રહી છે. તે માટે આ નાના નાના બાળકોએ દાન એકત્ર કરવાની ભગીરથ પ્રયાસ કર્યો તે બધા માટે પ્રેરણાદાયી છે. 21 કરોડના ખર્ચે નંદીઘરનું નિર્માણ થવાનું છે . તે માટે રમવાની ઉંમરે બાળકોએ જાગૃત નાગરિક જેવી ફરજ નિભાવી તે ખૂબ જ સરાહનીય છે.