Saturday - Apr 18, 2026

મોરબીમાં 60 ટકાના ઉંચા વ્યાજથી કંટાળી કારખાનેદારે ઝેરી દવા પી લીધી

મોરબીમાં 60 ટકાના ઉંચા વ્યાજથી કંટાળી કારખાનેદારે ઝેરી દવા પી લીધી

ટ્રકના હપ્તા ચડી જવાથી 10 લાખ વ્યાજે લઈ 42 દિવસમાં 7.02 લાખ ચૂકવ્યા છતાં 9 લાખની ઉઘરાણી કર્યાની એક વ્યાજખોર સામે ફરિયાદ

મોરબી : મોરબી શહેરના નવા બસસ્ટેન્ડ પાસે રહેતા કારખાનેદારે લીધેલા ટ્રકના હપ્તા ચૂકવવા 42 દિવસ પહેલા મોરબીના વ્યાજખોર પાસેથી બે, પાંચ કે દસ ટકા નહિ પણ મહિને 60 ટકા ઉંચા વ્યાજે રૂપિયા 10 લાખ લીધા બાદ 42 દિવસમાં 7.02 લાખ રૂપિયા ચૂકવી દેવા છતાં હાડકાતોડ વ્યાજ વસુલ કરનાર વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરતા કારખાનેદારે ઝેરી દવા પી લેતા વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

મોરબી શહેરના નવા બસસ્ટેન્ડ સામે વિશ્વાસ પેલેસમાં રહેતા અને બેલા નજીક કારખાનું ધરાવતા પ્રકાશભાઈ પ્રવીણભાઈ ભોરણીયા ઉ.વ.32 નામના કારખાનેદારે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વ્યાજખોર સાજીદ જાનમામદભાઈ કાજેડીયા રહે.કાજેરડા તા.માળીયા મિયાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.5 માર્ચના રોજ તેમને લીધેલા ટ્રકના હપ્તા ચડી ગયેલ હપ્તા ભરવા માટે પૈસાની જરૂરત પડતા 10 લાખ રૂપિયા આરોપીની મોરબીના માળીયા ફાટક પાસે આવેલ કેજીએન મોબાઈલ નામની દુકાનેથી 60 ટકા મહીને વ્યાજ લેખે 10 લાખ રૂપિયા લીધા હતા.જેમાંથી એક લાખ રૂપિયા જરૂરત ન હોય તુરત જ પરત કરી દઈ બાકીના રૂ.7,02,000 પણ 42 દીવસમાં ચૂકવી દેવા છતાં આરોપી સાજીદે રૂપિયા 9 લાખની ઉઘરાણી ચાલુ રાખતા ફરિયાદી પ્રકાશભાઈએ કારખાને ઝેરી દવા પી લેતા હાલમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ચામડા તોડ નહિ પણ હાડકા વ્યાજ વસૂલવા મામલે હાલમાં બી ડિવિઝન પોલીસે હાલ આરોપી વિરુદ્ધ ગુજરાત નાણાં ધીરધારની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.