મોરબી : મોરબી જિલ્લા પોલીસે પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા ત્રણ શખ્સો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ, મોરબી તરફથી પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવતા, એલ.સી.બી. અને હળવદ પોલીસની ટીમોએ ત્રણેય સામાવાળાઓની તુરંત અટકાયત કરી તેમને અલગ-અલગ જેલ હવાલે કર્યા છે.
દારૂના ગુનામાં સંડોવાયેલા આરોપી અલ્પેશભાઈ રમેશભાઈ જીંજરીયા રહે. જુના ધુંટુ રોડ, મોરબીને મધ્યસ્થ જેલ, વડોદરા, બીજા આરોપી રવિભાઈ રમેશભાઈ વિંજવાડીયા રહે. જુના ઘુંટુરોડ, મોરબીને જિલ્લા જેલ, જૂનાગઢ અને ત્રીજા આરોપી તેજશભાઈ નરશીભાઈ લાંઘણોજા રહે. ખાખરેચી, તા. માળીયા મીંયાણાને જિલ્લા જેલ, ભાવનગર ખાતે મોકલાયો છે. આથી પોલીસે દારૂની બદીને નાબૂદ કરવા નાગરિકોને તેમના રહેણાંક વિસ્તાર, વ્યવસાય સ્થળો, કે પછી અવાવરૂ જગ્યાઓ, ધાર્મિક સ્થળો, શાળાઓ/કોલેજોની આસપાસ અથવા જાહેર સ્થળોએ પ્રોહિબિશનનું વેચાણ, હેરાફેરી, કે દારૂ ગાળવા જેવી પ્રવૃત્તિઓ આચરતા શખ્સોની માહિતી તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા મોરબી જિલ્લા કંટ્રોલ રૂમમાં આપવાની અપીલ કરી છે.