સરતાનપર નજીકથી તાલુકા પોલીસે પાંચ બોટલ સાથે એકને ઝડપી લીધો
વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે રાજકોટ રોડ ઉપર રેલવે ગરનાળા પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે ત્રણ શખ્સને ઝડપી લીધા હતા.ઉપરાંત આ ત્રણેય શખ્સને દારૂનો જથ્થો આપનાર વાંકાનેરના જ અન્ય એક શખ્સનું નામ પણ ખોલાવ્યું હતું. અન્ય એક દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે સરતાનપર ગામ નજીકથી એક શખ્સને વિદેશી દારૂની પાંચ બોટલ સાથે ઝડપી લીધો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન રાજકોટ રોડ ઉપર રેલવે ગરનાળા પાસે આવેલ નયારા પેટ્રોલપંપ નજીકથી બાતમીને આધારે જીજે - 07 - એઆર - 4307 નંબરની હ્યુન્ડાઇ એસન્ટ કાર અટકાવી તલાશી લેતા કારમાં બેઠેલા આરોપી સચિન સુરેશભાઈ ડેડાણીયા રહે.જીનપરા, ધ્રુવંશ કિરીટભાઈ ગોદડકા રહે. દ્વારકાનગરી સોસાયટી, વાંકાનેર અને કિરીટ ઉર્ફે ભૂરાભાઈ ગોદડકા રહે.દ્વારકાનગરી સોસાયટી વાંકાનેર વાળાના કબ્જામાંથી વિદેશી દારૂની 750 મીલીની 60 બોટલ કિંમત રૂપિયા 35,688 તેમજ 180 મીલીના ચપલા નંગ 45 કિંમત રૂપિયા 4500 મળી 40,188નો વિદેશી દારૂ ઝડપી લઈ આરોપીઓના કબ્જામાંથી 1 લાખની કિંમતની એસેન્ટ ગાડી અને બે મોબાઈલ ફોન મળી 1,55,188નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વધુમાં આરોપીઓની પૂછપરછમાં વિદેશી દારૂનો આ જથ્થો આરોપી શુભમ ભાટી રહે.વીસીપરા વાળા પાસેથી મેળવ્યો હોવાનું કબુલતા ચારેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
આ ઉપરાંત વાંકાનેર તાલુકા પોલીસે રાતાવીરડા રોડ ઉપર સરતાનપર ગામ નજીક દશામાના મંદિર પાસેથી અરવિંદ વાઘાભાઈ જરવરિયા નામના શખ્સને વિદેશી દારૂની પાંચ બોટલ કિંમત રૂપીયા 3430 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.