મહાપાલિકામાં ફૂડ ઇન્સ્પેક્ટર ન હોવાથી મીઠાઈ ફરસાણનું ચેકિંગ ન થવાથી જન આરોગ્ય રામભરોસે
મોરબી : મોરબીની 3 લાખથી વધુની જનતા માટે દુર્ભાગ્યની વાત એ છે કે, મોરબી મહાપાલિકા બન્યાને છ માસ કરતા પણ વધુ સમય વીતી ગયો છતાં ખાદ્ય પદાર્થનું ચેકિંગ કરવા માટે ફૂડ ઇન્સ્પેક્ટર જ નથી !જો કે હવે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો હોય ત્યારે ખાસ લોકોને શુદ્ધ અને ભેળસેળ વગરની મીઠાઈ અને ફરસાણ સહિતના ખાર્ધ પદાર્થ મળી રહે તે બાબતે સઘન ચેકિંગ કરવા માટે મોરબી મહાપાલિકામાં ફૂડ ઇન્સ્પેક્ટર જ ન હોવાથી જન આરોગ્ય રામ ભરોસે થઈ ગયું છે.
મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ અને ગીરીશભાઈ છબીલભાઈ કોટેચાએ મનપાના કમિશનરને રજુઆત કરીને જણાવ્યું હતું કે, ઘણા સમયથી મનપમાં ફૂડ ઇન્સ્પેક્ટરની નિમણૂક ન થવાને કારણે શહેરના નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. આગામી દિવાળી જેવા મોટા તહેવારોને ધ્યાનમાં રાખીને ચિંતા વ્યક્ત કરી છે કે ફૂડ ઇન્સ્પેક્ટરના અભાવે મીઠાઈ, ફરસાણની દુકાનો, હોટલો, લારીઓ અને નાની દુકાનોમાં વેચાતા ખાદ્ય પદાર્થોની કોઈ ચકાસણી કે તપાસ થતી નથી. જૂના અપ્રમાણભૂત કે નકલી ખાદ્ય પદાર્થો વેચાવાની અને પ્રજાના આરોગ્યને ગંભીર જોખમ ઊભું થવાની શક્યતા છે. વધુમાં તેઓએ સર્વે કરીને હકીકત બહાર લાવી છે કે અનેક દુકાનોમાં સ્વચ્છતા અને ખાદ્ય ગુણવત્તાની સ્થિતિ ચિંતાજનક છે.આથી મોરબી મહાપાલિકાને એક સક્ષમ અને ઇમાનદાર ફૂડ ઇન્સ્પેક્ટરની તાત્કાલિક નિમણૂક કરવા અને તહેવારો પહેલા ખાદ્ય પદાર્થોની તપાસનું વિશેષ અભિયાન હાથ ધરવાની માંગ કરી છે.