લાંબા સમયથી ધૂળ ખાતી મહાપુરુષો અને ક્રાંતિકારીઓની પ્રતિમાઓને સ્વચ્છ કરી
મોરબી : મોરબીમાં એક વર્ષની ભપકાદાર ઉજવણી કરીને દેખાડો કરનાર મહાપાલિકા લોકોની સમસ્યાઓ હલ કરી નવી સુવિધાઓ આપવામાં ઘોર બેદરકારી દાખવે જ છે. સાથેસાથે રાષ્ટ્ર માટે પ્રાણનું બલિદાન અપનાર ક્રાંતિકારીઓ અને દેશની આન, બાન અને શાન માટે જીવન સમર્પિત કરનાર મહાપુરુષોની પ્રતિમાનું જતન કરી માન સન્માન કરવામાં નિષ્ફળ નીવડી છે. આથી મનપાને કરવાનું કામ યંગ ઇન્ડિયા ગ્રુપે કર્યું હતું. જેમાં મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપના યુવાનોએ શહેરમાં આવેલી અને લાંબા સમયથી અવગણનાનો ભોગ બનેલી રાષ્ટ્રપ્રેમીઓની પ્રતિમાઓને સ્વચ્છ બનાવી, હારતોરા અર્પણ કરી ભાવવંદના કરી હતી.
દેશની આઝાદી માટે પ્રાણ ન્યોછાવર કરનાર અને સમગ્ર જીવન રાષ્ટ્રને સમર્પિત કરનાર શહીદ ભગતસિંહ, સ્વામી વિવેકાનંદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધીજી, ડો. બાબાસાહેબ આંબેડકર સહિતના મહાનુભાવોની પ્રતિમાઓ વર્ષોથી મોરબી શહેરની વિવિધ જાહેર જગ્યાઓ પર સ્થાપિત છે, જે જનમાનસને દેશહિત માટે કાર્ય કરવાની સતત પ્રેરણા આપે છે. પરંતુ સંબંધિત તંત્ર દ્વારા જાળવણીના અભાવે અનેક પ્રતિમાઓ પર ધૂળની ચાદર છવાઈ ગઈ હતી તથા આસપાસ ગંદકી ફેલાય ગઈ હતી. મહાપુરુષોના જન્મદિન કે નિર્વાણદિન પૂરતું સ્મરણ સીમિત રાખવાથી આ પવિત્ર પ્રતિમાઓની હાલત દયનીય બની છે. તેથી આ રાષ્ટ્ર પ્રેમીઓની પ્રતિમાઓનું માન સન્માન જળવાતું ન હોવાથી ક્રાંતિકારી વિચારધારા અને સર્વધર્મ સમભાવનો સંદેશ જનજન સુધી પહોંચાડતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેન રબારીના માર્ગદર્શન હેઠળ, સમગ્ર યુવા ટીમે શહેરની વિવિધ જગ્યાએ આવેલી તમામ રાષ્ટ્ર પ્રેમીઓની પ્રતિમાઓને જળાભિષેક કરીને સ્વચ્છ કરી, યોગ્ય રીતે સફાઈ કરી તેમજ પ્રતિમાઓની આસપાસની ગંદકી દૂર કરી તંત્રની સાથે દરેક નાગરિકોનું પણ આ પ્રતિમાની ગરીમાં જાળવવાનું કર્તવ્ય હોવાનો મેસેજ આપ્યો છે.