Saturday - May 02, 2026

ટંકારા નજીક વ્યાજે લીધેલા નાણાંની પઠાણી ઉઘરાણી કરી ટ્રેકટર શોરૂમમાં ધમાલ મચાવી

ટંકારા નજીક વ્યાજે લીધેલા નાણાંની પઠાણી ઉઘરાણી કરી ટ્રેકટર શોરૂમમાં ધમાલ મચાવી

ટંકારા : મોરબીમાં વ્યાજખોરો વિરુદ્ધ સેંકડો ફરિયાદ નોંધાતી હોવા છતાં વ્યાજખોરોને પોલીસનો ડર જ ન હોય તેવી ઘટનાઓ બની રહી છે. ગઈકાલે પણ આવી જ એક ઘટનામાં મોરબીના વ્યાજખોરે ટંકારના વિરપર નજીક આવેલ ટ્રેક્ટરના શોરૂમમાં ઘુસી જઇ શોરૂમ સંચાલકના પુત્રએ છ વર્ષ પહેલાં વ્યાજે લીધેલા નાણાંની પઠાણી ઉઘરાણી કરી શોરૂમ ખાલી કરી જતા રહેવા ધમકી આપી ટ્રેક્ટરની ચાવીઓ પડાવી લીધી હતી.જો કે, 112 ને ફોન કરવામાં આવતા વ્યાજખોર પલાયન થઈ ગયો હતો.

મોરબીની પંચવટી સોસાયટીના રહેતા અને ટંકારાના વિરપર નજીક ટ્રેક્ટરનો શોરૂમ ધરાવતા પ્રવિણભાઇ મહાદેવભાઈ અંબાણી ઉ.58એ ટંકારા પોલીસ મથકમાં આરોપી દિનેશ ગગુભાઇ મકવાણા રહે.મોરબી અને તેમની સાથે આવેલ અજાણ્યા માણસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે સાંજે આરોપી દિનેશ મકવાણા તેમના ટ્રેક્ટરના શોરૂમમાં જીજે - 36 - એપી - 7711 નંબરની કાર લઈને ધસી આવ્યો હતો. વધુમાં આરોપી દિનેશ મકવાણા પાસેથી તેમના નાના પુત્ર જયએ છ વર્ષ પૂર્વે વ્યાજે પૈસા લીધા હોય જે આપવાના બાકી હોવાથી આરોપીઓએ શોરૂમમાં આંતક મચાવી સ્ટાફ સાથે ગાળાગાળી કરી બાદમાં ટ્રેકટરની ચાવી લઈ ટ્રેકટર માથે બેસી ટ્રેકટર લઈ જવાની કોશિશ કરી હતી. જો કે, બનાવ સમયે પ્રવીણભાઈના મોટા પુત્ર નિખિલે 112ને જાણ કરતા 112 જનસુરક્ષા વાહન આવી જતા આરોપીઓ પલાયન થઈ ગયા હતા.ઘટના અંગે શોરૂમ માલિક પ્રવીણભાઈએ વ્યાજખોર અને તેની સાથે આવેલ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.