મોરબી : ગુજરાત રાજ્ય એવોર્ડી ટીચર્સ ફેડરેશનની વાર્ષિક સાધારણ સભા અને શૈક્ષણિક અધિવેશનનું આયોજન આનંદ નિકેતન, સુધડ, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણ જગતમાં વિરલ સિધ્ધિ હાંસલ કરનાર અને રાજ્ય તથા રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ગુરુજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે મોરબી જિલ્લાની નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના મદદનિશ શિક્ષક અશોકકુમાર મહાદેવભાઈ કાંજીયાનું પણ આ પ્રસંગે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
શિક્ષણમાં ઇનોવેટીવ પદ્ધતિઓ અને 'ગમ્મત સાથે જ્ઞાન' આપવા બદલ તેમજ 'સરકારી શાળા શ્રેષ્ઠ શાળા'ને ચરિતાર્થ કરવા બદલ તેઓ અગાઉ રાજ્યપાલ અને મુખ્યમંત્રીના વરદ હસ્તે શ્રેષ્ઠ શિક્ષક સન્માન પણ મેળવી ચૂક્યા છે. ત્યારે આજે રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજા અને પૂર્વ કેબિનેટ શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરના હસ્તે શાલ, પ્રશસ્તી પત્ર, મોમેન્ટો અને બુક આપીને તેમને સન્માનિત કરાયા હતા.
ખાખરાળાના વતની એવા અશોકકુમાર કાંજીયાએ શિક્ષણમાં વિવિધ ઇનોવેશન, ઓનલાઈન કસોટી, GIET આયોજિત ગ્રીષ્મોત્સવ અને ચિત્ર સ્પર્ધા, ફિલ્ડ ઇન્વેસ્ટિગેટર તરીકે વિવિધ શાળામાં મૂલ્યાંકન, શિક્ષક તાલીમમાં માસ્ટર ટ્રેનર તરીકેની કામગીરી અને વાલી મુલાકાત દ્વારા 76 બાળકોને ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ અપાવવા જેવા કાર્યો કર્યા છે. તેમજ પુલવામા હુમલામાં શહીદ પરિવાર માટે મૌન રેલી દ્વારા ફાળો, ગણિત વિજ્ઞાન પ્રદર્શન, બાળમેળા, વિષયવસ્તુ નિર્માણ, પ્રવૃત્તિમય શિક્ષણ, વાલી મીટીંગ, રમતગમત, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, વિવિધ તહેવારોની ઉજવણી, દિન વિશેષ વિડિયો તેમજ તેમણે શાળામાં ભૌતિક સુવિધાઓ માટે લોક સહકાર મેળવ્યો છે. અને તેમના આચાર્ય તરીકેના કાર્યકાળમાં શાળાને મુખ્યમંત્રીના હસ્તે સ્વચ્છ શાળા એવોર્ડ અને વોટર ફેસીલીટી એવોર્ડ પણ મળેલા છે. તેઓ છેલ્લા 12 વર્ષથી બાળકોના સહકારથી 'પક્ષી બચાવો અભિયાન' તેમજ સમાજ ઉત્થાન માટે અંધશ્રધ્ધા જાગૃતિ અને ધાર્મિક કાર્યો સાથે પણ જોડાયેલા છે.
અગાઉ તેમને ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, મોરારીબાપુના હસ્તે ચિત્રકુટ એવોર્ડ, મોરબી જિલ્લા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક, તાલુકા શ્રેષ્ઠ શિક્ષક, ગિજુભાઈ બધેકા, પાટીદાર રત્ન એવોર્ડ, વિદ્યાવાહક સન્માન, ગુરુ વંદના સન્માન, વિશિષ્ઠ શિક્ષક સન્માન સહિત અનેક એવોર્ડ અને સન્માનો પ્રાપ્ત થયેલા છે. આ સન્માન સમારોહમાં ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ, ડૉ. ટી.એસ.જોષી, ડૉ. ભગવાનભાઈ પ્રજાપતિ અને શિક્ષણવિદ અને સાહિત્યકાર રતિલાલ બોરીસાગર, વિવેક પટેલ તથા કમલ મંગલજી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.