મોરબી: મોરબી જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો અને વિવિધ મોરચાના પદાધિકારીઓની સત્તાવાર જાહેરાત થતાની સાથે જ મોરબીના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ નવી નિમણૂકો માત્ર નામોની યાદી નથી, પરંતુ તેની પાછળ મોરબી ભાજપનું આંતરિક રાજકારણ અને ભવિષ્યની રણનીતિ સ્પષ્ટ જોવા મળી રહી છે.
છેલ્લા ઘણા સમયથી મોરબીના રાજકીય વર્તુળોમાં એવી જોરશોરથી ચર્ચા ચાલી રહી હતી કે જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયાને બદલવામાં આવશે. સોશિયલ મીડિયામાં આ બાબતની અટકળોએ જોર પકડ્યું હતું. પરંતુ નવી સંગઠન માળખાની જાહેરાત તેમના જ હસ્તાક્ષર અને નેતૃત્વ હેઠળ થતાં પ્રમુખ બદલવાની આ તમામ ચર્ચાઓ માત્ર અફવા સાબિત થઈ છે અને પ્રદેશ નેતાગિરીએ જયંતિ રાજકોટિયા પર જ પોતાનો વિશ્વાસ અકબંધ રાખ્યો હોવાનું સ્પષ્ટ થયું છે.
મોરબી જિલ્લાના રાજકારણની વાત કરીએ તો, ભાજપ પક્ષમાં વર્ષોથી આંતરિક જૂથવાદ ચાલતો હોવાની બાબત કોઈનાથી છૂપી નથી. સ્થાનિક સ્તરે મુખ્યત્વે બે દિગ્ગજ નેતાઓના જૂથ સક્રિય જોવા મળે છે. જેમાં મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનું જૂથ અને પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયાનું જૂથ પ્રભુત્વ ધરાવે છે. સંગઠનમાં પોતાનું વર્ચસ્વ જમાવવા અને પોતાના સમર્થકોને સારા હોદ્દા અપાવવા માટે આ જૂથો વચ્ચે હંમેશા સીધી કે આડકતરી હરીફાઈ રહે છે.
આજની નવી નિમણૂકોનું ઝીણવટભર્યું રાજકીય વિશ્લેષણ કરતા સ્થાનિક રાજકીય પંડિતો માની રહ્યા છે કે આ વખતે અમુક જૂથોએ બાજી મારી છે. નવી નિમણૂક પામેલા હોદ્દેદારોના નામો પર નજર કરતા સ્પષ્ટ થાય છે કે જિલ્લા ભાજપ સંગઠનમાં પૂર્વ સાંસદ મોહન કુંડારિયા અને ધારાસભ્ય દુર્લભજી દેથરિયાના જૂથને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. સંગઠનના મોટાભાગના મહત્વના હોદ્દાઓ પર આ બંને નેતાઓના નજીકના મનાતા કાર્યકરોની વરણી કરવામાં આવી હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.
આ નિમણૂકો દર્શાવે છે કે આગામી સમયમાં આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પ્રદેશ નેતાગિરીએ મોરબી જિલ્લામાં સત્તાનું ચોક્કસ સંતુલન સાધવાનો પ્રયાસ કર્યો છે. નવા અને જૂના કાર્યકર્તાઓનો સમન્વય સાધીને એક મજબૂત ટીમ બનાવવાનો પ્રયત્ન થયો છે. જોકે, આ નવી ટીમમાં એક જૂથને વધુ મહત્વ અપાતા સ્થાનિક રાજકારણમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે. ત્યારે જિલ્લા ભાજપની નવી ટીમ જૂથવાદને બાજુ પર મૂકીને પક્ષને કેટલો સંગઠિત અને મજબૂત કરી શકે છે તે જોવું રસપ્રદ રહેશે.